જસદણની આલ્ફા સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ખુલ્યું

રાજકોટના જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ગત જૂન મહિનામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી આયુષી બલદાણીયાના રહસ્યમય મોતની ઘટનાની તપાસ દરમિયાન જિલ્લા પ્રાથમિક…

રાજકોટના જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ગત જૂન મહિનામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી આયુષી બલદાણીયાના રહસ્યમય મોતની ઘટનાની તપાસ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (ઉઙઊઘ) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આલ્ફા સંકુલમાં ચાલતા એક મોટા ’ડમી કોચિંગ અને સ્કૂલિંગ’ નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે.

શિક્ષણ વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ સંકુલમાં રહીને નવોદય અને સૈનિક શાળાની તૈયારી કરતા રાજ્યના 31 શહેરોની શાળાઓના 697 વિદ્યાર્થીઓ અહીં ડમી તરીકે ભણતા હોવાનો સળગતો ઘટસ્ફોટ થયો છે. આ અંગેનો વિગતવાર અહેવાલ ગાંધીનગર રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપવામાં આવ્યો છે.
મહુવાના મોટા જાદરા ગામના વતની રમેશભાઈ બલદાણિયાએ પોતાની પુત્રી આયુષીને ગત 27 એપ્રિલે આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં મોકલી હતી. આયુષીને અછબડા અને અતિશય તાવ હોવા છતાં શાળાના સંચાલકોએ પરિવારને સમયસર જાણ કરી ન હતી અને યોગ્ય તબીબી સારવાર પણ ન આપી.

24 જૂનના રોજ બાળકીની સ્થિતિ અત્યંત નાજુક બનતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પિતાના આક્ષેપો અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની તપાસ બાદ જસદણ પોલીસે આલ્ફા સ્કૂલના સંચાલક એવા ટ્રસ્ટી જયસુખ શંખારવા અને હિરેન શંખારવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (સાપરાધ મનુષ્યવધ) અને 54 હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.
હાલ સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરી દેવાયા છે. આ બાબતે આલ્ફા સ્કૂલના સંચાલક જયસુખ શંખારવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ હતો.

આલ્ફા કોચિંગ ક્લાસમાં બાળકોને હોસ્ટેલમાં રાખવા ફરજિયાત હતા. અહીં વિદ્યાર્થીઓ વર્ષો સુધી રહીને પરીક્ષાની તૈયારી કરતા હતા, જ્યારે સરકારી ચોપડે તેમના નામ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓની શાળાઓમાં બોલતા હતા અને ત્યાં તેમની ઓનલાઈન હાજરી પણ પુરાતી હતી! શિક્ષણ જગત પર સવાલો ઉભા કરતું આ નેટવર્ક છેલ્લા બે શૈક્ષણિક વર્ષથી પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનું ખુલવા પામ્યુ છે. આલ્ફા સંકુલમાં વર્ષ 2025-26 માં 250 અને વર્ષ 2026-27 માં 447 મળીને રાજયની 31 શાળાના કુલ 697 બાળકો ગેરકાયદેસર રીતે ડમી તરીકે અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *