4000 MCFT(11,200 કરોડ લીટર) નર્મદાનીર આપવા માગણી : આજીમાં 35 ટકા અને ન્યારીમાં 32 ટકા જ પાણી: તોળાતા દુષ્કાળની ભીતિથી મનપાએ આગોતરા આયોજન સાથે સરકારને લખ્યો પત્ર
સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે ત્યારે બીજી બાજું રાજકોટ જેવા મહાનગરમાં હજી પણ મોસમનો કુલ વરસાદ માત્ર 15.33 ઇંચ જ નોંધાયો હોય રાજકોટના 18 વોર્ડમાં વસવાટ કરતી 20 લાખની વસતી પર ગંભીર જળ સંકટ તોળાઇ રહ્યું છે. આવા સંજોગોમાં મહાનગર પાલિકાએ આગોતરૂૂં આયોજન કરીને જો પુરતો વરસાદ ન થાય તો રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ પાણી આપી શકાય તે માટે અને આગામી ચોમાસા સુધી આજીમાં 2100 અને ન્યારી ડેમમાં 1900 મળી કુલ ચાર હજાર એમસીએફટી એટલે કે અંદાજે 11,200 કરોડ લીટર પાણી ઠલવવાની માગણી સાથે અત્યારથી જ રાજ્ય સરકારને પત્ર પાઠવીને કરી છે. મહાનગરપાલિકાએ અગાઉ માગેલા નર્મદાનીરમાં હજી 225 એમસીએફટી જથ્થો આપવાનો બાકી છે. ત્યારે આ જથ્થો સપ્ટેમ્બર માસ સુધીમા આપી દેવાની રજુઆત પણ કરવામાં આવી છે.
રાજકોટ માટે દર વર્ષે ફેબ્રુઆરી અને જૂન માસમાં રાજ્ય સરકાર પાસેથી નર્મદાનીર માંગવા પડે છે. પરંતુ આ વર્ષે ઓગસ્ટ માસ અડધો અને ચોમાસાના ધોરીમાસ જેવા અષાઢ માસ પુરો થવા આવ્યો હોવાછતાં પણ હજી રાજકોટમાં મોસમનો કુલ વરસાદ માત્ર 15.33 ઇંચ જ નોંધાયો છે. મહાનગરપાલિકા પાસે આજી ન્યારી અને મહદ અંશે ભાદર-1 સિવાય બીજા કોઇ જળસ્ત્રોત નથી. આ સિઝનમાં આજી અને ન્યારીમાં માત્ર બે દિવસનું જ નવુ પાણી આવ્યુ છે. ભાદર-1માં પણ પાણીની નહીવત આવક થઇ છે.
આ કારણે હાલના તબક્કે આજી-1માં 35 ટકા અને ન્યારી-1માં 32 ટકા જળજથ્થો જ રહ્યો છે. જો વરસાદ ન આવે તો રાજકોટ પર ગંભીર જળ સંકટ સર્જાય તેમ છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકાએ આગામી ઉનાળા સુધી રાજકોટમાં પાણીની કટોકટી ન સર્જાય રાજ્ય સરકારને પત્ર લખીને આજી અને ન્યારીમાં તબક્કાવાર ચાર હજાર એમસીએફટી એટલે કે અંદાજે 11,200 કરોડ લીટર નર્મદાનીર આપવા માગણી કરી છે.
આજીમાં 2100 અને ન્યારીમાં 1900 એમસીએફટી પાણીની માગણી
મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને લખાયેલા પત્ર મુજબ જો રાજકોટમાં પુરતો વરસાદ ન આવે તો આગામી ઉનાળા સુધી રાજકોટને પાણીની તકલીફ ન પડે તે માટે તબક્કાવાર કુલ ચાર હજાર એમસીએફટી પાણી ઠલવવાની માગણી કરવામાં આવી છે. આમાં આજીમાં કુલ 2100 એમસીએફટી અને ન્યારીમાં 1900 એમસીએફટી પાણી આપવાની માગણી કરવામાં આવી છેે. આજી ડેમની કુલ કેપેસિટી 917 એમસીએફટી (29 ફૂટ ) અને ન્યારીની કુલ કેપેસિટી 1248 એમસીએફટી (25 ફૂટ) છે. હાલમાં રાજય સરકાર દ્વારા ન્યારીડેમમાં રોજનું પાંચથી છ એમસીએફટી પાણી ઠલવવામાં આવી રહ્યું છે.
શહેરના ઘરઆંગણેના આજી અને ન્યારીમાં ઓક્ટોબર માસ સુધીનું જ પાણી
આજી-1માં હાલમાં 465 એમસીએફટી એટલે કે 16.24 ફૂટ પાણી છે. જ્યારે ન્યારી-1માં 473 એમસીએફટી એટલે કે 16.24 ફૂટ પાણી છે. આજીમાંથી દૈનિક સરેરાશ ઉપાડ 140 એમએલડી અને ન્યારી-1માંથી 160 એમએલડી પાણીનો ઉપાડ થાય છે. આમાં 50 એમએલડી જેટકો, 50 એમએલડી રૈયાધાર અને 40 એમએલડી ન્યારીમાંથી ઉપાડ થાય છે આ મુજબ આજી અને ન્યારી બન્ને જળાશયો ઓક્ટોબર અંત સુધીમાં જ તળિયાઝાટક થઇ જાય તેમ છે.
નર્મદાનીરથી ડેમ ભરી દેવાય તો પણ ફેબ્રુઆરીમાં ફરી પાણી માંગવું પડશે
આગામી 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે ઉનાળા સુધી પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ચાર હજાર એમસીએફટી નર્મદાનીર માંગવામાં આવ્યા છે. હાલમાં બન્ને જળાશયોમાં ઓક્ટોબર સુધી ચાલે તેટલું પાણી છે. જો નર્મદાનીરથી બન્ને જળાશયો ભરી દેવામાં આવે તો પણ ડેમની સ્થિતિ, પાણીનો બગાડ અને પાણી ચોરી સહિતની સમસ્યાને કારણે ફરીથી ફેબ્રુઆરી મહિનામાં પાણી માંગવુ પડશે. બન્ને જળાશય ઓવરફ્લો થાય છતાં મહાનગરપાલિકા દ્વારા વર્ષમાં બે વખત નર્મદાનીર પર આધાર રાખવો પડે છે.
