અગાઉ બે જહાજોને નિશાન બનાવાયા હતા, ઇરાન પર શંકા
પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ગઇકાલે બે મોટા ટેન્કરોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. હુમલાનો ભોગ બનેલા ટેન્કરોમાં એક કતારનું ’અલ રેકયાત’ (Al Rekayat) નામનું એલએનજી (LNG) ટેન્કર છે, જે કતારથી ગુજરાત આવી રહ્યું હતું.
આ હુમલામાં જહાજના એન્જિન રૂૂમમાં આગ લાગી હતી અને જહાજને ભારે નુકસાન થયું છે. સદનસીબે, આ ટેન્કરમાં સવાર તમામ 4 ભારતીય ક્રૂ મેમ્બર સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ જ વિસ્તારમાં સાઉદી અરેબિયાનો ઝંડો ધરાવતા ’વેડયાન’ નામના એક વિશાળ ક્રૂડ ઓઈલ ટેન્કરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. હુમલા પછી જહાજના એન્જિનરૂમમાં આગ લાગી જતા આ જહાજમાં કુલ 29 ક્રુ હતા જેમાં 4 ભારતીય નાગરિકો છે. જો કે જાનહાનીના કોઇ અહેવાલ નથી.
આ હુમલાની જવાબદારી હાલ સુધી કોઈ પણ સંગઠન કે દેશ દ્વારા સ્વીકારવામાં આવી નથી, પરંતુ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો ઈરાન પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓના દાવા મુજબ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જળમાર્ગે પસાર થતા આ વાણિજ્યિક જહાજો પર મિસાઈલ કે ડ્રોન દ્વારા હુમલો કર્યો હોઈ શકે છે.
ઈરાનના પૂર્વ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમ યાત્રા કોમ શહેરમાં નીકળી હતી, જેમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઈરાની જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો અને “કિલ ટ્રમ્પ” લખેલા બેનરો સાથે અમેરિકા વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખામેનેઈનું નિધન ચાર મહિના પહેલા થયેલા એક હુમલામાં થયું હતું, અને હવે 9 જુલાઈના રોજ તેમને મશહદમાં દફનાવવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમ મધ્ય પૂર્વમાં ભૌગોલિક-રાજકીય અસ્થિરતાનો સંકેત આપે છે.
બીજી તરફ, યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ હવે સમુદ્રી માર્ગો પર પણ પહોંચ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે તેમણે છેલ્લા બે દિવસમાં રશિયાના ’શેડો ફ્લીટ’ના અનેક ઈંધણ ટેન્કરો પર ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિમીયામાં રશિયન સૈન્યને થતી ઈંધણની પૂર્તિને રોકવાનો છે. આ સાથે જ, યુક્રેને સાઈબેરિયામાં આવેલી રશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી પર પણ હુમલો કર્યો છે. યુક્રેનના આ હુમલાઓને કારણે રશિયન અધિકૃત વિસ્તારોમાં ઈંધણની અછત વર્તાઈ રહી છે, જેના પગલે ત્યાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે.
સૂત્રો અનુસાર, “7 જુલાઈના રોજ અલ રેકાયત પર શંકાસ્પદ ડ્રોન હુમલો થયો હતો જ્યારે તે અરબી સમુદ્ર અને ઓમાનના અખાતના સંગમ નજીક પસાર થઈ રહ્યું હતું.
આ ઘટનાની જાણ ભરતી અને પ્લેસમેન્ટ સેવાના લાઇસન્સધારક દ્વારા શિપિંગના મહાનિર્દેશક (DGS) ને કરવામાં આવી છે. આ જહાજ કતારથી ભારતના દહેજ બંદર સુધી તેની સફર ચાલુ રાખે છે.” અહેવાલ દર્શાવે છે કે ભારત જનારા આ જહાજ પર હુમલાના થોડા કલાકો પહેલા, પર્સિયન ગલ્ફમાં આ માર્ગ પરથી પસાર થતી વખતે બે અન્ય તેલ ટેન્કરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
