પાણી આપણા શરીર માટે શ્વાસ લેવા જેટલું જ મહત્વપૂર્ણ છે. પાણી આપણા શરીરની અંદર થતી ઘણી ક્રિયાઓમાં પણ મદદ કરે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી આપણી ત્વચા સુંદર રહર છે, મૂડ સારો રહે છે અને પાચનમાં પણ સુધારો થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે પાણી પીવાનો યોગ્ય સમય પણ ખૂબ મહત્વ ધરાવે છે? હા, હકીકતમાં ઘણા લોકો ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવે છે પરંતુ શું તે યોગ્ય છે? આયુર્વેદ મૂજબ, ભોજન પછી તરત પાણી પીવું ઝેર સમાન છે.
ખાધા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ?
જમ્યા પછી એક કલાક સુધી જઠરાગ્નિ ખોરાકનું પાચન કરે છે. જેથી ભોજન બાદ તુરંત પાણી પીવું જઠરાગ્નિને ઠંડી પાડે છે અને પાચનક્રિયાને નબળી બનાવે છે. જે રીતે સળગતી આગ પર પાણી છાંટીએ ત્યારે થાય છે એવું જ. પરિણામે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને પેટમાં પડેલો ખોરાક સડવાથી એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ સાથે પેટ પણ ભારે ભારે લાગે છે.
નિષ્ણાતો કહે છે કે ભોજન પહેલાં ઓછામાં ઓછા 30 મિનિટ અને ભોજન પછી 30 મિનિટ પાણી પીવાનું ટાળવું જોઈએ. આનું કારણ એ છે કે પ્રવાહી ખોરાક લગભગ 20 થી 30 મિનિટમાં પેટમાંથી બહાર નીકળી જાય છે, જ્યારે ખોરાકને પચવામાં 3 થી 4 કલાક લાગે છે.
જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે આપણા શરીરમાં પાચનની સામાન્ય પ્રક્રિયા શરૂ થાય છે. ખોરાકને પચાવવા માટે લાળ અને પાચક ઉત્સેચકો મુક્ત થાય છે. જમતા પહેલા પાણી પીવાથી આ ઉત્સેચકો યોગ્ય રીતે કામ કરી શકતા નથી, જેના કારણે ખોરાક પચવામાં મુશ્કેલી પડી શકે છે.
આ ઉપરાંત, પાણીથી પેટ ભરાઈ જાય છે, જેના કારણે તમે સંપૂર્ણ ખોરાક લઈ શકતા નથી. આવી સ્થિતિમાં, થોડા સમય પછી તમને ફરીથી ભૂખ લાગી શકે છે, જેનાથી વધુ પડતું ખાવાની શક્યતા વધી જાય છે. એટલા માટે નિષ્ણાતો કહે છે કે તમે જમ્યાના અડધા કલાક પહેલા એક ગ્લાસ પાણી પી શકો છો, પરંતુ ખાધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ રાહ જોયા પછી જ પાણી પી શકો છો.
