28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી, સરકારે કોઈ નિર્ણય નહીં લેતાં દસ્તાવેજો નહીં નોંધવા કલેકટરની સૂચના
રાજકોટ શહેરની અશાંતધારા હેઠળ આવતી 28 જેટલી સોસાયટીઓમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી મુદત પૂર્ણ થઈ ચૂકી છે. આ સોસાયટીઓમાં મિલકતના ખરીદ-વેચાણમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે મહત્વનો નિર્ણય લેતા સબ-રજિસ્ટ્રાર કચેરીને હાલ પૂરતા કોઈ પણ દસ્તાવેજો ન કરવા સૂચના આપી છે. હાથ જેટલા આઠ જેટલા દસ્તાવેજો પણ હાલ પૂરતા રોકાવામાં આવ્યા છે.
વિગતો મુજબ, શહેરની આ 28 સોસાયટીઓમાં અશાંત ધારાની મુદત ગત 13 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ ગઈ છે. સામાન્ય રીતે મુદત પૂર્ણ થયા પહેલા અથવા તુરંત જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવું નોટિફિકેશન બહાર પાડીને મુદત લંબાવવામાં આવતી હોય છે. જોકે, એક અઠવાડિયું વીતી જવા છતાં હજુ સુધી ગૃહ વિભાગ તરફથી કોઈ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી.
અશાંત ધારા હેઠળની મિલકતોના વેચાણમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા નોટિફિકેશન ન હોવા છતાં આ વિસ્તારોમાં મિલકતની લે-વેચના દસ્તાવેજો ન નોંધાય તે હેતુથી કલેક્ટર દ્વારા કોઈ પણ દસ્તાવેજ ન કરવા માટે સબ-રજિસ્ટ્રારને કડક સૂચના આપવામાં આવી છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગૃહ વિભાગ હાલ આ બાબતે વિચારણા કરી રહ્યું છે અને આગામી એક કે બે દિવસમાં આ 28 સોસાયટીઓ માટે અશાંત ધારાની મુદત લંબાવવા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે.
આટલી સોસાયટીના પ્રશ્ર્નો
રાજકોટના પશ્ચિમ અને અન્ય વિસ્તારોની કુલ 28 સોસાયટીઓ આ સુરક્ષા કવચ હેઠળ આવશે, જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે. છોટુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈ નગર, સ્વસ્તિક સોસાયટી, આરાધના સોસાયટી, દિવ્ય સિદ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવન પ્રભા, અંજની સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી. અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગ વાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજ નગર, અલકાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઇન્કમ ટેક્સ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટીનો સમાવેશ થાય છે.
