દિવાળીનો તહેવાર એટલે ખુશીઓ, રોશની અને ખરીદીનો મહાપર્વ. રાજકોટના ધર્મેન્દ્ર રોડ, પરા બજાર અને બંગળી બજાર એટલે શહેરની ધબકતી બજારનું હૃદયસ્થાન. આ વિસ્તારો હંમેશાં તહેવારોના દિવસોમાં કરોડો રૂૂપિયાની ખરીદી-વેચાણના કેન્દ્ર રહે છે. એક તરફ કરોડો રૂૂપિયાનું રોકાણ કરીને બેઠેલા મોટા શો-રૂૂમ અને દુકાનદારો છે, તો બીજી તરફ માત્ર તહેવારના દિવસોમાં જ બે ટંકની રોજીરોટી કમાવા આવતા હજારો ગરીબ પાથરણાવાળા ધંધાર્થીઓ છે. આ બ બંને વર્ગો વચ્ચે વર્ષોથી ચાલતી આવતી સંઘર્ષની સ્થિતિ અને વિવાદ વચ્ચે આ વર્ષે તંત્ર દ્વારા એક સુચારુ અને સંતુલિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે વેપાર અને માનવતા બંને જળવાઈ રહી છે.
દીવાળીના તહેવારોના દિવસોમાં ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, બંગડી બજાર વિસ્તારમાં પાથરણાવાળાઓ દ્વારા સીધી દુકાનો અને શો-રૂૂમના શટર કે એન્ટ્રી પાસે જ દબાણ કરી લેવામાં આવતું હોવાના કારણે કરોડો રૂૂપિયાનો વેપાર કરતા શો-રૂૂમના માલિકોના ધંધા પર માઠી અસર પડતી હોવાની કાયમી વ્યાપક ફરિયાદ હોય છે. ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા ન હોવાની રાવ રહે છે. ગત વર્ષે તો સ્થિતિ એટલી વણસી હતી કે સાંગણવા ચોકથી લઈને ધર્મેન્દ્ર રોડ સુધીના બજારના દુકાનદારોએ પોતાના વ્યવસાય બંધ રાખીને ધરણા અને વિરોધ પ્રદર્શન કરવા પડ્યા હતા. દુકાનદારોની આ વેદના અને વ્યાપારિક નુકસાનની વાત બિલકુલ સાચી હતી, કારણ કે આખો વર્ષ ટેક્સ ભરીને ધંધો ચલાવતા વેપારીઓ માટે તહેવારની સીઝન જ સૌથી મોટો આધાર હોય છે.
એક બાજુ વેપારીઓના હિત તો બીજી બાજુ માનવતાનું મોટું પાસું પણ જોડાયેલું હોય છે. વર્ષભર છૂટક મજૂરી કે નાના-મોટા ધંધા કરીને ગુજરાન ચલાવતા હજારો ગરીબ ધંધાર્થીઓ માટે આ દીવાળીના ચાર-પાંચ દિવસ કમાણીનો મુખ્ય આધાર હોય છે. જો તેમને તહેવારમાં વેપાર કરવા ન મળે, તો તેમના ગરીબ ઘરોમાં દીવાળીના દીવા પ્રગટવા મુશ્કેલ બની જાય છે. આ બંને પક્ષોની મુશ્કેલીઓને સમજીને મનપા તંત્રે મધ્યમ માર્ગ કાઢ્યો છે.
કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા સાંગણવા ચોકથી બંગળી બજાર સુધીના સમગ્ર પટ્ટા પર એક સચોટ સુચારુ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. કોઈપણ સંઘર્ષ કે વિવાદ વગર રસ્તો કાઢવા માટે પાથરણાવાળાઓને રોડની બરાબર મધ્ય ભાગમાં બેસવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે રોડની બંને બાજુએ આવેલી નાની-મોટી દુકાનો અને મોટા શો-રૂૂમની એન્ટ્રી સંપૂર્ણપણે ખુલ્લી રહે તેવી કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ આયોજનના કારણે 3,500થી વધુ પાથરણાવાળા ગરીબ ધંધાર્થીઓની દીવાળી સુધરી ગઈ છે. અને તેમના ઘરમાં પણ આર્થિક રાહતની રોનક આવી છે.
દુકાન ધારકો ડિસ્પ્લેના પૂતળા-સાઇન બોર્ડ એન્ટ્રી પાસે નહીં રાખી શકે તેની પણ કડક અમલવારી
તહેવાર શરૂૂ થાય એ પૂર્વે વેપારી એસોસિએશન પાથરણાવાઓની રાવ લઇને આવ્યા હતા ત્યારે મેયર ડો.નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયાએ એવી કડક સુચના પણ આપી હતી કે, જો તમારી દુકાન કે શોરૂૂમની એન્ટ્રી પાસે ફૂટપાથ પર ચાલવાની જગ્યાએ ડિસ્પ્લે માટેના પુતળા, સાઇન બોર્ડ, રેલીંગ કે અન્ય કોઇ દબાણ હશે તો તે જપ્ત કરી લેવાશે. આ સુચનાનું પણ કડક પાલન સાંગણવા ચોકથી બંગડીબજાર સુધી કરવાની સુચના અપાઇ છે.
