બાર એસો.ની ચૂંટણીનો ઢંઢેરો પીટાતા વકીલ મંડળો મેદાનમાં આવ્યા: ચૂંટણીમાં વ્યક્તિગત દ્વેષ નહીં રાખવા અપીલ
બાર એસોસિએશનની વર્ષ 2027ની ચૂંટણીને લઈને વકીલ સમાજમાં ગરમાવો આવ્યો છે. બે પેનલ વચ્ચે સીધી ટક્કર જામી છે ત્યારે રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો અને કોર્ટમાં નિયમિત પ્રેક્ટિસ કરતા વકીલો વચ્ચે ખાઈ ઊભી કરવાનો સુનિયોજિત પ્રયાસ થઈ રહ્યો હોવાનું રેવન્યુ બારે જણાવ્યું છે કે, વકીલ સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ કોઈ કાળે ચલાવી લેવામાં આવશે નહીં.
વધુ વિગત મુજબ રેવન્યુ બારના પ્રમુખ રમેશભાઈ કથીરિયા અને સેક્રેટરી વિજય તોગડિયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, બાર એસોસિએશનની ચૂંટણીમાં કામગીરીના આધારે મત માગવા માટે જ્યારે મુદ્દા ન હોય ત્યારે જ ચૂંટણીના નામે ભાગલા પાડવાના એજન્ડા પર કામ થતું હોય તેવું સ્પષ્ટ જણાય છે. પીયૂષભાઈ શાહ દ્વારા આપવામાં આવેલું નિવેદનને રેવન્યુ બારે સખત શબ્દોમાં વખોડી કાઢે છે.વકીલ સમાજમાં કોઈ નાનું કે મોટું સંગઠન નથી. દરેક વકીલનું પોતાનું કાર્યક્ષેત્ર, પોતાની પ્રેક્ટિસ અને પોતાની વિશેષતા છે. વકીલ રેવન્યુ,સિવિલ, ક્રિમિનલ કે અન્ય ક્ષેત્રમાં કામ કરે છે, દરેકનું સન્માન જળવાવું જ જોઈએ. સન્માનમાં ભેદભાવ કરનારાઓને વકીલ સમાજ ક્યારેય સ્વીકારશે નહીં, તેમ રેવન્યુ બારે સ્પષ્ટ કર્યું છે.
રેવન્યુ બાર હંમેશા વકીલોના વ્યવસાયિક પ્રશ્નો માટે રજૂઆતો, તાલીમ શિબિરો, પ્રવાસો, મહિલા વકીલોના સંગઠનને મજબૂત કરવાના વિશેષ કાર્યક્રમો અને તહેવારોની ઉજવણી સહિત પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. રેવન્યુ બાર એવી પેનલને મહત્વ આપે છે, વકીલોના હિત માટે પ્રત્યક્ષ કામ કરતું હોય પરંતુ ચૂંટણીના નામે રેવન્યુ બારના સભ્યોને અલગ પાડવા, તેમના બહિષ્કારની વાત કરવી અથવા એક સંગઠન સામે બીજી સંગઠન ઊભું કરવું એ વકીલની ગરિમાને લાંછન લગાડનારું વર્તન છે.ભાજપ લીગલ સેલના ચેરમેન જેવા જવાબદાર હોદ્દા પર રહેલી વ્યક્તિ પાસેથી વકીલ સમાજની એકતા અને ભાઈચારો મજબૂત કરે તેવી ભૂમિકાની અપેક્ષા હોય છે,ચૂંટણી એક દિવસની હોય છે, પરંતુ વકીલો વચ્ચેનો ભાઈચારો જીવનભરનો છે.વકીલોના હિત માટે સતત લડત અને કામગીરીને જ ચૂંટણીમાં મહત્વ આપો. રેવન્યુ બાર કોઈની વિરુદ્ધ નથી, પરંતુ વકીલોના સન્માન, સ્વાભિમાન, એકતા અને હિત માટે હંમેશા અડગ છે. વકીલ એકતા જ વકીલ સમાજની સાચી તાકાત છે.
રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન તમામ વકીલ ભાઈઓ અને બહેનોને અપીલ કરે છે કે ભાગલાવાદી માનસિકતા અને વ્યક્તિગત એજન્ડાના હાથા ન બનો. જે લોકો વકીલોના હિત માટે સતત લડત આપે છે અને સંગઠનને મજબૂત બનાવે છે, તેમની કામગીરીને જ ચૂંટણીમાં મહત્વ આપો. અમારો સ્પષ્ટ અને દૃઢ સંદેશ છે: રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન કોઈની વિરુદ્ધ નથી, પરંતુ વકીલોના સન્માન, સ્વાભિમાન, એકતા અને હિત માટે હંમેશાં અડગ છે. રેવન્યુ બારના કોઈપણ સભ્યનું અપમાન કે બહિષ્કાર કરવાનો કોઈપણ પ્રયાસ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને તેનો સંગઠિત રીતે સખત વિરોધ કરવામાં આવશે. વકીલ એકતા જ વકીલ સમાજની સાચી તાકાત છે. ચૂંટણી જીતવા માટે વકીલ સમાજમાં ભાગલા પાડવાની નીતિ ક્યારેય સફળ થવાની નથી.
