શહેરના મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજકોટ રેન્જના આઈજીની અધ્યક્ષતામાં જીલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન જીલ્લા પોલીસ દ્વારા પરેડ યોજાઈ હતી, રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પરેડનું નિરીક્ષણ કરી પોલીસ જવાનોની શિસ્ત, શારીરિક સજ્જતા અને વ્યવસાયિક કૌશલ્યનું મૂલ્યાંકન કર્યું હતું.
રાજકોટ જીલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂૂપે જીલ્લા પોલીસના મવડી પ્લોટ ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે દ્વારા જીલ્લાની વિવિધ શાખાઓની કામગીરી, પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધન સામગ્રી તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટેની તૈયારીની સમીક્ષા કરી હતી તેમજ જીલ્લા પોલીસના સ્ટાફમાં શિસ્ત અને કાર્યદક્ષતા જળવાઈ રહે તે માટે જરૂૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ગાંજો સહિતના માદક પદાર્થો શોધવામાં મહત્વની ભૂમિકા ભજવતા સ્નિફર ડોગ સાથે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ખાસ મુલાકાત કરી તાલીમબદ્ધ શ્વાનની કામગીરી અને તેની સૂંઘવાની ક્ષમતાની જાણકારી મેળવવામાં આવી હતી. રેન્જ આઈજીના વાર્ષિક ઇન્સ્પેક્શનના માધ્યમથી પોલીસ દળની કામગીરીની સમીક્ષા સાથે જવાનોનો ઉત્સાહ વધારવા અને પોલીસ તંત્રને વધુ સજ્જ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એસપી વિજયસિંહ ગુર્જર, એએસપી ડો.નવીન ચક્રવર્તી, તમામ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
