જિલ્લા કલેક્ટર અચાનક માલિયાસણ અને જિયાણા ગામની મુલાકાતે પહોંચ્યા

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્રને વધુ સજ્જ અને પારદર્શક બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સતત ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહી છે. આ…

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્રને વધુ સજ્જ અને પારદર્શક બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સતત ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં ગત તા. 12 જૂન, 2026ના રોજ કલેક્ટર ડો. ઓમ પ્રકાશે રાજકોટ તાલુકાના માલીયાસણ અને જીયાણા ગામોમાં ઓચિંતી મુલાકાત (સરપ્રાઈઝ ચેકિંગ) લેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

કલેક્ટરે સૌપ્રથમ બંને ગામની ગ્રામ પંચાયતોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પંચાયતના દૈનિક વહીવટી કામકાજ, સરકારી યોજનાઓના અમલીકરણના દસ્તાવેજો અને રેકોર્ડની ચકાસણી કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અને વહીવટી કામગીરીમાં કોઈ ખામી ન રહી જાય તે માટે તેમણે તલાટી કમ મંત્રી અને સરપંચને જરૂૂરી સૂચનાઓ આપી હતી.

માલીયાસણ અને જીયાણા ગામોમાં કલેક્ટરે સરકારી પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર તથા પીવાના પાણીની વ્યવસ્થાઓનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. ગામડાઓમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી છે તે જાણવા માટે તેમણે સ્વયં વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ, આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રોગચાળો ન ફેલાય અને ગ્રામજનોને પીવાના ચોખ્ખા પાણીની સમસ્યા ન નડે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરકારક કામગીરી કરવા તાકીદ કરી હતી. કલેક્ટર ડો. ઓમ પ્રકાશે ગ્રામજનોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી. જેમાં રસ્તા, પાણી અને અન્ય સરકારી સહાયને લગતા પ્રશ્નો હતા. કલેક્ટરે ગ્રામજનોને હકારાત્મક પ્રતિસાદ આપતા ખાતરી આપી હતી કે, યોગ્ય રજૂઆતોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *