સામસામી આઠ શખ્સો સામે ફરિયાદ : કોર્ટ કેસ ચાલતો હોય જુવાર વાઢવા બાબતે એકઠા થયા ને માથાકૂટ થઇ
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા નાના આંબલા ગામે રહેતા યુનુસભાઈ ઇબ્રાહીમભાઈ ગજણ નામના યુવાનના નામની ખેતીની જમીન આવેલ હોય અને આ જમીન બાબતે તેમના જ પરિવારના ઈબ્રાહિમ ગજણ, રહેમતબેન ઈબ્રાહીમ અને સુગરાબેન ઇબ્રાહીમ સાથે વિવાદ ચાલતો હતો. આ અંગે ખંભાળિયાની કોર્ટમાં સિવિલ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
આ વચ્ચે રવિવારે આરોપી ઈબ્રાહીમભાઈએ તેમની ખેતીની જમીનમાં આવીને જુવાર શા માટે ઉપાડો છો? તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં અન્ય બે આરોપીઓ રહેમતબેન ઈબ્રાહીમ અને સુગરાબેન ઈબ્રાહીમ ગજણએ બોલેરો કારમાં આવી અને ફરિયાદી યુનુસભાઈ તથા અન્ય સાહેદો સાથે ઝઘડો કરી અને બિભત્સ ગાળો ભાંડી હતી.
આરોપી રહેમતબેન દ્વારા અહીં રહેલા સાહેદ રેશમાબેન તથા રોશનબેનને પણ મુઢ માર મારી, ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સામા પક્ષે રહેમતબેન ઈબ્રાહીમભાઈ ગજણ (ઉ.વ. 53, રહે. નાના આંબલા)એ યુનુસ ઈબ્રાહીમ, રેશમાબેન યુનુસ, રોશનબેન અને સાબીરભાઈ તથા ઈસુબ નામના પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવાયા મુજબ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ સુગરાબેનની આવેલી ખેતીની જમીન કે જે જમીનનો કબજો ફરિયાદી પરિવાર પાસે હતો અને એનું વાવેતર ઈબ્રાહીમભાઈ આદમભાઈ ગજાણ કરતા હતા. જે જમીન બાબતના ચાલતા વિવાદ અને કોર્ટ કેસ વચ્ચે તેમણે વાવેલી જુવાર માટે ખેતરમાં ભેગા થયા હતા, ત્યારે આરોપીઓએ અહીં આવીને બિભત્સ ગાળો કાઢી, લોખંડના હાથવાળી પાવડી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે વાડીનાર મરીન પોલીસે બંને પક્ષે પાંચ મહિલાઓ સહિત તમામ આઠ વ્યક્તિઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
