ડીઝલની અછત? સૌરાષ્ટ્રભરમાં ટ્રેકટર-કેરબા લઇ ખેડૂતોની લાઇન લાગી

અમરેલીમાં 12-12 કલાક પછી ડીઝલ મળે તેવી સ્ફોટક સ્થિતિ: વીરપુર, ગોંડલ, વડિયા, જાફરાબાદ, રાજુલા પંથકમાં ભારે તંગીથી જગનો તાત ખેતી પડતી મૂકી ડીઝલની લાઇનમાં ગોઠવાયો…

અમરેલીમાં 12-12 કલાક પછી ડીઝલ મળે તેવી સ્ફોટક સ્થિતિ: વીરપુર, ગોંડલ, વડિયા, જાફરાબાદ, રાજુલા પંથકમાં ભારે તંગીથી જગનો તાત ખેતી પડતી મૂકી ડીઝલની લાઇનમાં ગોઠવાયો

ડીઝલનો સ્ટોક ખલાસ થયાની અફવા અને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા પંપ પર લાંબી લાઇનો લાગી: અનેક જગ્યાએ ફક્ત 25 કે 30 લિટર ડીઝલ આપતા પેટ્રોલપંપ સંચાલકો સાથે માથાકૂટ

ઇરાન અને અમેરિકાના યુધ્ધની અસર હવે ઓલો સૌરાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર પંથકમાં ડીઝલ પુરતા પ્રમાણમાં ન મળતું હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. એમા પણ ખાસ કરીને વાવણીનો સમય નજીક છે ત્યારે જ ખેડુતોને પુરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ટ્રેકટરના પૈડા થંભી ગયા છે. જેના કારણે પંપ પર લાંબી લાઇનો લાગી છે. આજે સૌરાષ્ટ્રમાં વિરપુર, ગોંડલ, વડીયા, જાફરાબાદ, રાજુલા પંથકમાં ભારે લાઇનો જોવા મળી હતી. અમરેલીમાં તો 12-12 કલાક સુધી ટ્રેકટર લઇને ખેડુતો લાઇનમાં ઉભા રહ્યા હતા.

વીરપુર
યાત્રાધામ વીરપુર પંથકમાં ખેડૂતો હાલ ભારે વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ ચોમાસુ અને વાવણીનો સમય એકદમ નજીક આવી રહ્યો છે, ત્યારે ખેતીના કામો માટે અત્યંત જરૂૂરી એવા ડીઝલની અછત ઉભી થતા જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે. વીરપુર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી, જેના કારણે ખેતીના તમામ કાર્યો ખોરવાઈ ગયા છે.

ગોંડલ
ગોંડલનાં પેટ્રોલ પંપ ઉપર ડિઝલની અછત સર્જાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે.પંપ સંચાલકોનાં જણાવ્યાં મુજબ કંપની માંથી ડિઝલ ફાળવવા ઠાગાઠૈયા કરાઇ રહ્યા છે.આઠ દશ દિવસ થી ગાડી લખાવવાં છતા ડિઝલ મળતુ નથી.જેને કારણે પંપ પર ડિઝલ મળી નથી રહ્યુ.બીજીબાજુ ડિઝલ માટે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો મનમાની ચલાવી રહ્યાની ઘટનાઓ પણ બહાર આવી છે.

નગરપાલિકા સદસ્ય ધર્મેશભાઈ પીપળીયા પોતાનું વાહન લઇ ઘોઘાવદર રોડ પર આવેલા પેટ્રોલ પંપ ઉપર ડિઝલ ભરાવવા ગયા હતાં.પરંતુ પંપ સંચાલક દ્વારા ડિઝલ નથી તેવુ સ્પષ્ટ કહેવાયુ પરંતુ પંપ પરનો ફિલરમેન એક નાના ટેન્કરમાં ડિઝલ ભરી રહ્યો હતો.આ અંગે ધર્મેશભાઈ એ પુછતા’ ડિઝલ આપવુ ના આપવુ એ અમારાં મન ની ઇચ્છા” તેવો ઉડાઉ જવાબ મળ્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો. ગોંડલ પંથક માં અંદાજે અઢાર થી વીસ જેટલા પેટ્રોલ પંપ છે.પણ હાલ કોઇ પાસે ડિઝલનો સ્ટોક નથી.

વડિયા
એક તરફ ખેતીની મોસમ શરૂૂ હોય બીજી તરફ વાહનોની સંખ્યામાં વધારો થતાં પરેશાની વધી ગ્રાહકોને માત્ર 1 હજાર મર્યાદામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે જો કે અમુક વાહનચાલકો ગભરાહટમાં પણ જરૂૂરિયાત કરતાં વધારે જથ્થો ભેગો કરવા પણ ઈચ્છુક હોય છે વડિયા ગામમાં ડીઝલ માટે ભારે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં આવેલા માત્ર બે પેટ્રોલ પંપ પર વહેલી સવારથી પેટ્રોલ ડિઝલ નો મળતા લોકો હેરાન પરેશાન ફક્ત વડિયા જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના ખેડૂતો પણ ડીઝલ ભરાવવા અહીં પહોંચી રહ્યા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

અમરેલી-રાજુલા-જાફરાબાદ
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પગલે ધરતીપુત્રોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ પૂરતો જથ્થો ન મળતાં આખરે ખેડૂતોનો સંયમ ખૂટ્યો હતો અને રાજુલા-સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટરો આડા ધરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ રાજ્યમાં ટ્રકોના પણ પૈડાં થંભી જવાની ભીતિ સેવાઈ છે. એક ટ્રકને 50-100 લિટર ડીઝલ જ અપાતું હોવાનો દાવો કરાયો છે.

છેલ્લા પાંચ દિવસથી રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો ડીઝલ માટે દર-દર ભટકી રહ્યા છે. પેટ્રોલ પંપો પર વહેલી સવારના 4 વાગ્યાથી જ ટ્રેક્ટરોની 1-1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને 15 જૂનથી ચોમાસાનું વિધિવત્ આગમન થવાનું છે, ત્યારે ખેતરોમાં રોટાવેટર ચલાવવા અને પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માટે ડીઝલ અત્યંત જરૂૂરી છે.

બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવા છતાં ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આટલી હાલાકી છતાં પંપ ચાલકો દ્વારા માત્ર 2-2 હજાર રૂૂપિયાનું મર્યાદિત ડીઝલ આપવામાં આવતું હોવાથી ખેડૂતોની નારાજગી ચરમસીમાએ પહોંચી છે.

ધ્રોલમાં કેરબામાં ડીઝલ ન મળતા ખેડૂતે પેટ્રોલપંપ પર ધમાચકડી મચાવી
જામનગર જિલ્લાના ધ્રોલમાં છેલ્લા એક બે દિવસથી ખેડુતો ડિઝલ મેળવવા માટે કતારમાં લાગી ગયા છે ત્યારે પેટ્રોલ પંપ સંચાલકો તરફથી ડિઝલ કેરબામાં આપવાની ના પાડતા ખેડુતો ઉશ્કેરાઇ ગયા હતા અને એક ખેડુતે પેટ્રોલ પંપમાં જ કેરબા પછાડીને ભારે વિરોધ નોંધાવતા અફ્ડાતફડી મચી જવા પામી હતી. ખેડુતોના ભારે વિરોધના પગલે સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *