ગંભીર ઘટનામાં પોલીસ કે શિક્ષણ વિભાગને જાણ કરવાના બદલે શાળા સંચાલકોએ વાલીઓને ‘સમજાવી’ છાત્રને વતનમાં મોકલી દીધો
શિક્ષક બાળકને ખેંચી બીવડાવવા જતાં હાથમાંથી છટકી જતાં નીચે પટકાયો? સીસીટીવી છૂપાવવા શાળા સંચાલકોના ધમપછાડા
જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ત્રણ કર્મચારીઓની ટીમ બનાવી શરૂ કરાવેલી તપાસ
પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારી છાત્રનું કાઉન્સેલિંગ કરાવી તરસ્થ તપાસ કરે તે જરૂરી
રાજકોટના અક્ષરમાર્ગ ઉપર પંચવટી સોસાયટી નજીક આવેલી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસેલન્સમાં ધો.11માં અભ્યાસ કરતા જામખંભાળીયા પંથકના એક છાત્રના ત્રીજા માળની બારીમાંથી પડી જવાની ભેદી ઘટનાથી ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. ત્રીજા માળની બારીમાંથી બાળકે ઝંપલાવ્યું હોવાનું શાળા સંચાલકો જણાવે છે પરંતુ આ ગંભીર ઘટનાની પોલીસ કે શિક્ષણ વિભાગને જાણ કરવાના બદલે ગામડામાં રહેતા વાલીઓને ‘સમજાવી’ શાળા સંચાલકોએ બાળકને વતનમાં મોકલી દેતા અનેક શંકા-કુશંકાઓ ઉભી થઇ છે.
રાજકોટના શિક્ષણ માફીયાઓની વગ અને તાનાશાહીની ચાડી ખાતી આ ઘટનામાં અલગ-અલગ વાતો બહાર આવી રહી છે, જે મુજબ ધો.11ના ખંજન નામના વિદ્યાર્થીને 50 માર્કસની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા શિક્ષકે અન્ય છાત્રોની વચ્ચે અપમાનિત કરી બેફામ વાણી વિલાસ કરતા ડઘાઇ ગયેલા કુમળા છાત્રએ ત્રીજા માળે કલાસરૂમની બારીમાંથી જ નીચે પડતુ મુકી આપઘાતનો હિચકારો પ્રયાસ કર્યો હતો. જો કે, બિલ્ડિંગમાં એસીની ઝાળીમાં ફસાઇ જતા બાળકને સામાન્ય ઇજાઓ થઇ હતી અને સદનશીબે તેનો બચાવ થયો હતો.
જયારે બીજી એક એવી વાત બહાર આવી છે કે, માર્કસ ઓછા આવતા ઉશ્કેરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને ડરાવવા બારીમાંથી ફેંકવાનું નાટક કર્યું હતું પરંતુ બાળક શિક્ષકના હાથમાંથી છુટી જતા નીચે પટકાયો હતો. આ ઘટના બાદ રાજકીય વગ ધરાવતા ઉત્કર્ષ સ્કુલના સંચાલકોએ ઘટના બહાર આવે નહીં તે માટે પોલીસ કે શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર છાત્રના વાલીઓને બોલાવી બુધ્ધીપુર્વક સમજાવી પટાવી છાત્રને તેના વતનમાં રવાના કરી દીધો હતો.
પરંતુ અન્ય છાત્રોની હાજરીમાં બનેલી આ અતિગંભીર ઘટના અંતે જાહેર થઇ ગઇ હતી અને શાળા સંચાલકોના પાપનો ભાંડો ફુટયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિત પટેલને પુછતા તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાની ઉત્કર્ષ શાળાના સંચાલકો દ્વારા અમને કોઇ જાણ કરાઇ નથી પરંતુ ઘટના ધ્યાન પર આવતા ત્રણ કર્મચારીઓની સમિતિ બનાવી તપાસ શરૂ કરાઇ છે. આ કમિટિ સ્કુલની સ્થળ મુલાકાત લઇ તપાસ કર્યા બાદ શિક્ષકો- શાળા સંચાલકો ઉપરાંત ભોગ બનેલ વિદ્યાર્થી અને વાલીઓના પણ રૂબરૂ નિવેદનો નોંધશે અને પોતાનો રિપોર્ટ આપે પછી પગલા ભરવામાં આવશે.
આ ઘટનામાં અનેક બાબતો શંકાસ્પદ જણાય છે. ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓ ગ્રામ્ય વિસ્તારના હોવાથી શાળા સંચાલકોના દબાણમાં આવીને કે પોતાના બાળકના ભવિષ્યનું વિચારીને ફરીયાદ નોંધાવવાની હિંમત ન કરે તે સ્વાભાવિક છે ત્યારે વિદ્યાર્થી સંગઠનો આગળ આવે તેમજ પોલીસ તથા જિલ્લા શિક્ષણ અધિકારી તંત્ર તટસ્થ તપાસ કરે તે જરૂરી છે. વિદ્યાર્થીના વાલીઓને ધરપત આપીને તથા વિદ્યાર્થીનું કાઉન્સેલીંગ કરીને સતય ઘટના ઉપરથી પડદો ઉંચકી શકાય છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનામાં સીધો રસ દાખવી તપાસ કરાવે તે જરૂરી છે.
શાળા સંચાલકોએ પોતાની ચામડી બચાવવા વાલી પાસે આભાર લેટર લખાવી લીધો
બીજી તરફ શાળા સંચાલક વિમલ છાંયા હજુ પણ શાહમૃગી વૃતિ અપનાવી રહ્યા છે અને સમગ્ર ઘટનામાં બાળક ઉપર દોષારોપણ કરી જણાવે છે કે, બધા વચ્ચે વાત-ચિત કરતો બાળક અચાનક ડિપ્રેશન કે અન્ય કોઇ કારણે બારીમાંથી જાતે કુદયો હતો. અમે તેના વાલીઓને બોલાવતા તેમણે પણ અમને આભારલેટર પણ લખી આપ્યો છે. અહીં સવાલ એ થાય છે કે વાલીએ શાળા સંચાલકોનો આભાર માનતો લેટર લખી આપ્યો કે, શાળા સંચાલકોએ પોતાની ચામડી બચાવવા તરકીબો અજમાવી લેટર લખાવી લીધો? કોઇનું બાળક ત્રીજા માળેથી શંકાસ્પદ રીતે પડયું હોય તેના વાલીને આવો આભાર લેટર લખવાનો વિચાર આવે? આવી અનેક બાબતો શંકાસ્પદ છે અને શાળા સંચાલકો સામે સીધો અંગુલીનિર્દેશ કરે છે.
NSUI-ABVP ‘આપ’ના છાત્ર સંગઠનો મૌન કેમ?
રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ત્રીજા માળે આવેલા કલાસરૂમની બારીમાંથી છાત્ર એ પડતું મુકયાની શંકાસ્પદ ઘટના બની છે ત્યારે પોલીસ અને શિક્ષણ વિભાગ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનો અને વિરોધપક્ષ પણ આંખો મીંચીને બેસી રહેવાના બદલે તટસ્થતા પુર્વક તપાસ કરે તે જરૂરી છે. ગામડામાં વસતા વાલીઓ તો શાળા સંચાલકોની શેહશરમ કે દબાણમાં આવીને તેમજ પોતાના બાળકનું ભવિષ્ય બગડે નહીં તે વિચારીને ફરીયાદ કરતા ડર અનુભવે તે સ્વાભાવિક છે. પરંતુ શાળા- કોલેજોમાં બનતી નાની-નાની ઘટનાઓમાં પણ ઠેકી પડતા એનએસયુઆઇ, એવીપીટી તથા આમ આદમી પાર્ટી છાત્ર સંગઠન હજુ મૌન ધારણ કરીને તમાસો જોઇ રહ્યા છે તે બાબત પણ શંકાસ્પદ છે.
