ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એડિલેડ ટેસ્ટ મેચ અત્યારે એક મોટા વિવાદને કારણે ચર્ચામાં આવી છે. આ વિવાદનું કેન્દ્ર ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી બન્યો છે. સોશિયલ મીડિયા પર મેચનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એલેક્સ કેરીને મળેલા ’જીવનદાન’ પર સવાલો ઉઠી રહ્યા છે અને ક્રિકેટ પ્રેમીઓ આશ્ચર્યમાં મુકાયા છે.
મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એલેક્સ કેરી વિરુદ્ધ કેચની જોરદાર અપીલ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ આ કેચ અંગે ઘણી આત્મવિશ્વાસમાં જણાતી હતી, પરંતુ જ્યારે મામલો DRS (Decision Review System) સુધી પહોંચ્યો ત્યારે કંઈક અજીબ જોવા મળ્યું. અલ્ટ્રા એજમાં બોલ બેટની નજીક પહોંચે તે પહેલા જ ’સ્પાઇક’ (સિગ્નલ) જોવા મળ્યું હતું, જ્યારે વીડિયો ફૂટેજમાં બોલ અને બેટ વચ્ચે સ્પષ્ટ અંતર દેખાતું હતું. આ ટેકનિકલ વિરોધાભાસને જોતા અમ્પાયરોએ કેરીને ’નોટ આઉટ’ જાહેર કર્યો હતો.
આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અમ્પાયરિંગ અને ટેકનોલોજી પર નિશાન સાધી રહ્યા છે. એલેક્સ કેરીએ એડિલેડમાં મળેલા આ વિવાદાસ્પદ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા કેરીએ શાનદાર બેટિંગ કરતા તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી પૂરી કરી હતી. તેણે 143 બોલનો સામનો કરીને 74.12 ના સ્ટ્રાઈક રેટથી 106 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 1 આકર્ષક છગ્ગાનો સમાવેશ થાય છે. અંતે વિલ જેક્સે કેરીને જેમી સ્મિથના હાથે કેચ આઉટ કરાવીને તેની ઈનિંગનો અંત લાવ્યો હતો.
