વિદેશથી લાકડા મગાવી બિલ વગર વેચાણ કરી GST ચોરી કરતા કાર્યવાહી
ગાંધીધામ સંકુલમાં આવેલી પાંચ જાણીતી ટીમ્બર પેઢીમાં અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (ડીજીજીઆઇ)એ દરોડા પાડીને 37 કરોડના જીએસટી ચોરીના કૌભાંડનો, સ્થાનિક જીએસટી કચેરીને અંધારામાં રાખીને પર્દાફાશ કરતાં ટેક્સચોરોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ ડીજીજીઆઇની ટુકડીએ પાંચ પેઢીઓ વિદેશથી લાકડાં આયાત કરી તેનું બિલ વગર રોકડમાં વેચાણ કરાતું હોવા અંગેની પૂર્વ બાતમીના આધારે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ 37 કરોડની જીએસટી ચોરી મળી આવી હતી તેમજ એક પેઢીના માલિકના ઘરમાંથી 43 કરોડની સંભવિત બેનામી રોકડ રકમ પણ મળી આવી હતી.
સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના આ પ્રકરણમાં 37 કરોડની જીએસટીની ચોરી બહાર આવ્યા બાદ અમદાવાદ ડીજીજીઆઇએ પેઢીના સંચાલકોના મોબાઇલ, લેપટોપના ડીજીટલ ડેટા નેશનલ ફોરેન્સિક સાયન્સમાં વધુ ચકાસણી અર્થે મોકલાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.