જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભાવિકો ઉમટ્યા

અલખ નીરંજન અને મહાદેવ હરના નાદથી ભવનાથ તળેટી ગુંજી ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.…

અલખ નીરંજન અને મહાદેવ હરના નાદથી ભવનાથ તળેટી ગુંજી

ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં. સમગ્ર દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી અત્યારે ’શિવમય’ બની ગઈ છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં જાણે મહાદેવનો વાસ હોય તેવો અનુભવ ભાવિકો કરી રહ્યા છે.

ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર 1008 શ્રી હરિહરાનંદ ભારતી બાપુએ મેળાના બીજા દિવસના માહોલ અંગે જણાવ્યું હતું કે, બીજા દિવસે ભવનાથ તળેટીમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આમ તો આખું વર્ષ આ ક્ષેત્ર શિવમય હોય છે, પરંતુ શિવરાત્રીના દિવસોમાં અહીંનો આનંદ અલૌકિક હોય છે. આગળ જણાવ્યું કે, ભવનાથ મહાદેવના મંદિરે પરંપરાગત ધ્વજારોહણ થયા બાદ અલગ-અલગ આશ્રમોમાં પણ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી હતી. જેની સાથે જ નાગા સાધુઓએ ધૂણી ધખાવી ’અલખ નિરંજન’ અને ’મહાદેવ હર’ના નાદ સાથે મેળાને વિધિવત વેગ આપ્યો છે. આ મેળો માત્ર મનોરંજન નથી, પણ સાચા અર્થમાં શિવ અને જીવના મિલનનું પર્વ છે.

મેળાનું મુખ્ય આકર્ષણ દિગંબર નાગા સાધુઓ છે. પાંચ દિવસ સુધી ધૂણી ધખાવીને આરાધના કર્યા બાદ, શિવરાત્રીની મધ્યરાત્રિએ નિકળતી ’રવેડી’માં આ સાધુઓ શસ્ત્ર કળાના કરતબો બતાવે છે. તલવારબાજી, પટ્ટાબાજી અને લિંગના અલગ-અલગ દાવપેચ જોઈને શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ રવેડીમાં વિવિધ અખાડાના મહામંડલેશ્વરો, સાધુ-સંતો અને ઋષિમુનિઓ શણગારેલા ગજરાજો અને ધર્મધ્વજા સાથે જોડાય છે.

રવેડીનો માર્ગ ભવનાથ મંદિર પાસે આવેલા પૌરાણિક ’મૃગીકુંડ’ પાસે પૂર્ણ થાય છે. અહીં સાધુ-સંતો શાહી સ્નાન કરે છે. લોકવાયકા છે કે મૃગીકુંડમાં સ્નાન કરવા પડતા સાધુઓમાંથી અમુક સાધુઓ બહાર નથી આવતા, એટલે કે સ્વયં મહાદેવ અદ્રશ્ય રૂૂપે તેમની સાથે સ્નાન કરે છે. આ કુંડનું મહત્વ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ જેટલું જ પવિત્ર મનાય છે. આખું વર્ષ બંધ રહેતો મૃગીકુંડ માત્ર શિવરાત્રીની રાત્રે જ શાહી સ્નાન માટે ખોલવામાં આવે છે.

ભવનાથમાં અત્યારે ભક્તિનો સાગર ઘૂઘવી રહ્યો છે. ભલે તે આકરો તડકો હોય કે રાતની ઠંડી, ભોળાનાથના ભક્તોમાં ઉત્સાહ જરાય ઓછો જોવા મળતો નથી. સાધુઓની ધૂણીનો ધુમાડો અને ગિરનારની ગુફાઓમાંથી આવતા શંખનાદથી સમગ્ર જૂનાગઢ અત્યારે કૈલાસધામ દેખાય રહ્યું છે. પંચ દશનામ આહવાન અખાડાના મુખ્ય સંરક્ષક ભારદ્વાજગીરી મહારાજે મેળામાં પધારેલા યુવાનોને જીવનના સાચા માર્ગ પર ચાલવા અને વ્યસન જેવી બદીઓથી દૂર રહેવા માટે શિખામણ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *