જીડીપી ગ્રોથ 6.9 રહેવા વૈશ્ર્વિક સંસ્થાઓની આગાહી: રોકાણ સાઇકલ પુન: ગતિશીલ થશે
ગોલ્ડમેન સેશે કહ્યું છે કે નવા જાહેર થયેલા અમેરિકા-ભારત ટ્રેડ ડીલને કારણે ભારતનો જીડીપી ગ્રોથ 2026માં 6.9% રહેશે તેવો અંદાજ છે. આ ડીલને કારણે જીડીપીમાં અંદાજે 20 બેસિસ પોઇન્ટ (0.2 ટકા)નો વધારો થશે અને વિલંબમાં પડેલી ખાનગી રોકાણની સાઈકલ ફરી સક્રિય થશે.વૈશ્વિક બ્રોકરેજે 2027 માટે વાસ્તવિક જીડીપી ગ્રોથ 6.8% રહેશે તેવો અંદાજ આપ્યો છે. તેના મતે નાણાકીય પરિસ્થિતિમાં રાહત, વધુ મજબૂત બેલેન્સ શીટ અને ટ્રેડ ડીલ સંબંધિત અનિશ્ચિતતામાં ઘટાડો થતા આગામી વર્ષના બીજા છ માસિક ગાળામાં ખાનગી મૂડી ખર્ચ (કેપેક્સ)માં રિવાઈવલ જોવા મળી શકે છે.
એશિયા પેસિફિક રિજનમાં અમેરિકાના સૌથી ઊંચા ટેરિફનો સામનો કર્યો છતાં 2025માં ભારતનો ગ્રોથ સ્થિર રહ્યો હતો. ગોલ્ડમેનનો અંદાજ છે કે ગત વર્ષે નોમિનલ જીડીપી ગ્રોથ 7.7% રહ્યો હોવાનો અંદાજ છે. જોકે, નીચા ફુગાવા વચ્ચે જીડીપી ગ્રોથ છેલ્લાં છ વર્ષના સૌથી નીચા સ્તરે રહ્યો છે.
ફેબ્રુઆરીની શરૂૂઆતમાં જાહેર થયેલા અમેરિકા-ભારત ટ્રેડ ડીલ હેઠળ ભારતીય વસ્તુઓની આયાત પરના રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કરવામાં આવ્યા છે, જે હવે અન્ય એશિયન દેશો(15%થી 19% વચ્ચે)ને સમકક્ષ છે.
ભારતીય વસ્તુઓની નિકાસનો અંદાજે 4% જીડીપી હિસ્સો અમેરિકાની અંતિમ માંગ પર આધારિત હોવાથી ગોલ્ડમેનના અંદાજ મુજબ ટેરિફમાં આ ફેરફાર વાર્ષિક ધોરણે વૃદ્ધિમાં વધારાના 0.2 ટકાનો લાભ આપી શકે છે.
સમગ્ર રીતે આ કરારને લીધે અનિશ્ચિતતા દૂર થઈ છે, જે અગત્યનું છે. ગોલ્ડમેનના અર્થશાસ્ત્રીઓએ અગાઉ અંદાજ આપ્યો હતો કે અમેરિકાની વેપાર નીતિ સંબંધિત અનિશ્ચિતતાને કારણે વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાંથી આશરે 0.3 ટકાનો ઘટાડો થઈ શકે છે.
હાલમાં બેન્ેકે પોતાના આધારભૂત અંદાજમાં કેપેક્સમાં તેજીનો સમાવેશ કર્યો નથી, પરંતુ જો 2026ના બીજા છ માસિક ગાળામાં ખાનગી રોકાણ વાસ્તવિક પ્રોજેક્ટ અમલીકરણમાં પરિવર્તિત થાય, તો વૃદ્ધિમાં વધારાની સંભાવના દેખાય છે.
2025માં કોર ઈન્ફ્લેશન સરેરાશ માત્ર 2.2% રહ્યો હતો, જે ખાદ્યચીજોની કિંમતોમાં ઘટાડાને કારણે શક્ય બન્યું હતું. જોકે સોના સહિત કિંમતી ધાતુઓના વધતા ભાવને કારણે કોર ઈન્ફ્લેશન નોંધપાત્ર વધ્યો હતો. 2026 માટે ગોલ્ડમેને રિટેલ ફુગાવાનો દર 3.9% સુધી વધવાનો અંદાજ આપ્યો છે, જે રિઝર્વ બેંકના 4%ના લક્ષ્યની નજીક છે.
