ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ પાછળ દર વર્ષે કરોડો રૂૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. ’ખુશબૂ ગુજરાત કી’ જેવા આક્રમક માર્કેટિંગ અને વૈશ્વિક કક્ષાની ઇવેન્ટ્સ બાદ પણ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત હજુ પણ અન્ય રાજ્યો કરતા પાછળ હોય તેમ જણાય છે. તાજેતરના આંકડાઓ મુજબ, વિદેશી પ્રવાસીઓના આગમનમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પ્રવાસન ક્ષેત્રે પછાત ગણાતું પશ્ચિમ બંગાળ આ યાદીમાં ગુજરાત કરતા આગળ છે.
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ 2024ના અહેવાલ મુજબ, દેશમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ મહારાષ્ટ્રમાં આવ્યા છે. જ્યારે બીજા ક્રમે પશ્ચિમ બંગાળ રહ્યું છે. ગુજરાત ત્રીજા સ્થાને ફેંકાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ (કચ્છ) અને ગીર જેવા વિશ્વ વિખ્યાત સ્થળો હોવા છતાં ગુજરાત બંગાળને પછાડી શક્યું નથી.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રવાસન વિભાગનું બજેટ વધારવામાં આવે છે. વાઈબ્રન્ટ ગુજરાત, રણોત્સવ અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેવી ઇવેન્ટ્સ પાછળ કરોડો રૂૂપિયા ખર્ચાય છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં હજુ પણ પૂરતી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી અને વિદેશી પ્રવાસીઓને આકર્ષે તેવી નાઇટ લાઇફ કે સાંસ્કૃતિક વિવિધતાનો અભાવ હોઈ શકે છે, જેના કારણે બંગાળ જેવા રાજ્યો આગળ નીકળી રહ્યા છે. ગુજરાતે વર્ષ 2023-24 દરમિયાન લાખો પ્રવાસીઓને આવકાર્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ જ્યારે વાત વિદેશી સહેલાણીઓની આવે છે ત્યારે બંગાળના કોલકાતા અને દાર્જિલિંગ જેવા સ્થળો ગુજરાતના યાત્રાધામો પર ભારે પડ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ગુજરાત સરકાર વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે પોતાની રણનીતિમાં કેવા ફેરફાર કરે છે.
વિદેશી ટુરિસ્ટની સંખ્યાની વિગત
પ્રથમ ક્રમ: મહારાષ્ટ્ર -37 લાખ
બીજો ક્રમ: પશ્ચિમ બંગાળ -31 લાખ
ત્રીજો ક્રમ: ગુજરાત -22.7 લાખ
ચોથો ક્રમ: ઉત્તરપ્રદેશ -22.6 લાખ
પાંચમો ક્રમ: રાજસ્થાન -20.7 લાખ
