રાજકોટ જીલ્લામાં સામાન્ય જનતાને શિકાર બનાવતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. આવો જ એક કિસ્સો સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યાં કાયદેસરના લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરતા એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રૂૂ.3.50 લાખનું રૂૂ.6.50 લાખ વ્યાજ વસુલ્યા છતાં વધુ રૂૂપિયા પડાવવા વ્યાજખોરે આંતક મચાવ્યો હતો અને બળજબરીથી યુવાન પાસે ચેક પણ લખવી લીધા હતા.ઘટનાની મળતી માહિતી મુજબ ગોંડલ ખાતે રહેતા અને છકડો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા અસલમભાઈ અજીજભાઈ દોસાણીએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે વાસાવડ ગામના હનીફભાઇ ઉર્ફે કાળુભાઇ ઇસ્માઇલભાઇ સલાટનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, અસલમભાઈએ સને 2018-19 દરમિયાન પોતાની આર્થિક જરૂૂરિયાતને સંતોષવા માટે ટુકડે-ટુકડે કુલ 3,50,000 રૂૂપિયા માસિક 3 થી 4 ટકાના ઊંચા વ્યાજદરે લીધા હતા.
છ વર્ષના લાંબા ગાળા દરમિયાન ફરિયાદીએ રોકડા તેમજ આંગડીયા મારફતે અંદાજે 6,50,000 રૂૂપિયા જેવી માતબર રકમ વ્યાજ અને મુદ્દલ પેટે ચૂકવી હોવા છતાં, આરોપી દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી. ફરિયાદીની આર્થિક સ્થિતિ નબળી પડતા જ્યારે તેઓ વ્યાજ ચૂકવવામાં અસમર્થ બન્યા, ત્યારે આરોપી હનીફભાઈએ તા 26/10/2025 ના રોજ તેમને પોતાના ઘરે બોલાવી મુંઢ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એટલું જ નહીં, આરોપીએ ડરાવી-ધમકાવીને ફરિયાદી પાસેથી બેંક ઓફ બરોડાના ચાર કોરા ચેક પર બળજબરીથી સહી કરાવી તે પોતાના કબજામાં લઈ લીધા હતા. અત્યાર સુધી ડરના ઓથાર હેઠળ જીવતા અસલમભાઈને જ્યારે સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે આ જ આરોપી વિરુદ્ધ અગાઉ પણ વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે તેમણે હિંમત એકઠી કરી સુલતાનપુર પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા આરોપી હનીફભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 384, 386, 323 તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011ની કલમ 5, 33, 40 અને 42 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
