આંદોલનકારીઓને નિવાસ સ્થાનો, ધંધા સ્થળે, રસ્તા અને ધરણા સ્થળેથી ડિટેઇન કરાયા
લોકસંસદ વિચાર મંચ રાજકોટની યાદી મુજબ દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં જાણીતા વૈજ્ઞાનિક અને પર્યાવરણ વિદ સોનમ વાંગચૂકના સમર્થનમાં ગઈકાલે રાજકોટમાં પોલીસે બહુમાળી ભવન ખાતેથી અને ભક્તિનગર સર્કલ પાસેના ધરણા ઉપવાસ આંદોલનથી અટકાયતો કરી હતી જે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુધ્ધ અને એક તરફી છે અને લોકશાહીની હત્યા સમાન છે.
મંચ દ્વારા જણાવાયું છે કે 19/7 સંસ્થા અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા ધરણા કરવા માટેની મંજૂરી અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે નમુનો ક મુજબનુ ફોર્મ તારીખ :- 17/7/2026 ના રોજ આપવામાં આવેલ અને મંજૂરી માંગવામાં આવી હતી જે સંદર્ભે તારીખ :- 18/07/2026 નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા (ક્રાઈમ અને સ્પેશિયલ બ્રાન્ચ) ની સહી સાથે નો પત્ર ક્રમાંક એસબી/14/મંજૂરી/4284/2026 રવિવારના સાંજે ભક્તિનગર સર્કલ ખાતે, 80 ફુટ રોડ, રાત્રે 6:30 થી 8:00 સુધી ધરણાં અંગેની મંજૂરી આપવામાં આવી હતી. જે અંગે અરજદાર ગજેન્દ્રસિંહ ઝાલાને લેખિતમાં મૌન ધરણા ની મંજૂરી ન માંગેલ હોવા છતાં મૌન ધરણાં કરવા અંગેનો લેખિત પત્ર થી જાણ કરવામાં આવી. મંજૂરીમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી પણ આપવામાં જેમાં હા બાદમાં જવાબદાર પોલીસ સ્ટેશનમાંથી મૌન શબ્દ ડીલીટ કરી દેવામાં આવેલ. ત્યારબાદ ભક્તિનગર સર્કલ ખાતે ધરણાંના કાર્યક્રમનો સમય શરૂૂ થાય એ પહેલા પોલીસે એકાએક આંદોલનકારીઓના નિવાસ્થાનો, ધંધા સ્થળે, રસ્તા અને ભક્તિનગર સર્કલ ખાતેથી ડીટેઇન કરવામાં આવ્યા હતા.
દારૂૂડીયાઓ, જુગારીયાઓ, લુખ્ખાઓ, અસામાજિક પ્રવૃત્તિઓ આચારનારા સામે નતમસ્તક બની જતી પોલીસ આંદોલનકારીઓ સામે સિંહ બની ત્રાટકી હતી અને જુદા જુદા સ્થળેથી આંદોલનકારીઓને ઉઠાવી લેવાયા હતા જેમાં કોઠારીયા કોલોની ખાતેથી ગજેન્દ્રસિંહ ઝાલા, જામનગર રોડ પરથી જેન્તીભાઈ હિરપરા, ત્રિકોણબાગ પાસેથી પ્રવીણભાઈ લાખાણી, કાંતિભાઈ પ્રજાપતિ અને ભક્તિનગર સર્કલ ખાતેથી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા ની અટકાયતો કરવામાં આવી હતી. અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ ભવનમાં લઈ જવામાં આવ્યા હતા તમામ આંદોલનકારીને રાત્રે 8:30 કલાકે મુક્ત કરવામાં આવ્યા હતા.
આશ્ચર્યની બાબત તો એ છે કે ગઈકાલે રવિવારની રજા હોય ત્યારે પોલીસ અધિકારીઓ પણ રજાના મૂડમાં હોય પરંતુ એકાએક આ પોલીસ અધિકારીઓને રજા રદ કરી ક્રાઈમ બ્રાન્ચ ભક્તિનગર પોલીસ સ્ટેશન, ડી સ્ટાફના, ટ્રાફિક બ્રાન્ચ, અન્ય શાખાની જુદી જુદી ટીમો બનાવી જાણે શહેરમાં કોઈ આતંકવાદીઓ ઘૂસી ગયા હોય એ રીતે કોમ્બિંગ કરી આંદોલનકારીઓની અટકાયતો કરવામાં આવી હતી જેને લોકસંસદ વિચાર મંચ અને શહેરના જાગૃત નાગરિકો સખત શબ્દોમાં વખોડે છે.
