ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ માથું ઊંચકતા ડેન્ગ્યુના રોગચાળા સામે લડવા માટે એક ઐતિહાસિક સફળતા મળી છે. કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા જાપાની ફાર્માસ્યુટિકલ કંપની ટેકેડા દ્વારા વિકસાવાયેલી ’ક્યુડેન્ગા’ (QDENGA – TAK-003)રસીને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ ક્યુડેન્ગા ભારતની સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત ડેન્ગ્યુ રસી બની ગઈ છે. વૈશ્વિક સ્તરે ડેન્ગ્યુના કુલ કેસોમાંથી ત્રીજા ભાગનો બોજ એકલું ભારત વેઠે છે અને છેલ્લા બે દાયકામાં શહેરીકરણ, આબોહવા પરિવર્તન તેમજ મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે કેસોમાં 11 ગણો વધારો નોંધાયો છે, ત્યારે આ મંજૂરી દેશના જાહેર આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ક્યુડેન્ગા એક ’લાઇવ-એટેન્યુએટેડ ટેટ્રાવેલેન્ટ’ રસી છે, જે ડેન્ગ્યુ વાયરસના તમામ ચારેય સેરોટાઇપ્સ (DENV-1, 2, 3 અને 4) સામે રક્ષણ પૂરું પાડે છે. અગાઉની ડેન્ગ્યુ રસી ’ડેન્ગવેક્સિયા’ની સરખામણીએ આ રસીનો સૌથી મોટો ફાયદો એ છે કે વ્યક્તિને ભૂતકાળમાં ડેન્ગ્યુ થયો હતો કે નહીં તે જાણવા માટે કોઈ પ્રી-વેક્સિનેશન બ્લડ ટેસ્ટ (લોહીની તપાસ) કરાવવાની જરૂૂર પડતી નથી. આ રસી ચામડીની નીચે ઇન્જેક્શન (સબક્યુટેનિયસ) દ્વારા આપવામાં આવે છે અને તેના કુલ બે ડોઝ ત્રણ મહિનાના અંતરાલમાં લેવાના રહેશે. બ્રિટન, બ્રાઝિલ, આર્જેન્ટિના અને યુરોપિયન યુનિયન સહિત વિશ્વના 40 થી વધુ દેશોમાં આ રસીને અગાઉથી જ મંજૂરી મળેલી છે, તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ તેના ઉપયોગની ભલામણ કરી છે.
વિશ્વના 8 દેશોમાં 20,000 થી વધુ બાળકો અને કિશોરો પર કરાયેલા ત્રીજા તબક્કાના વ્યાપક ક્લિનિકલ ટ્રાયલના 4.5 વર્ષના પરિણામો દર્શાવે છે કે, આ રસી ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ સામે 84% જેટલું ઊંચું રક્ષણ આપે છે. આ ઉપરાંત સામાન્ય લક્ષણોવાળા ડેન્ગ્યુ સામે 61% સુરક્ષા પૂરી પાડે છે. રસીની કિંમત અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટેકેડા કંપનીએ હૈદરાબાદ સ્થિત ’બાયોલોજિકલ ઇ’ કંપની સાથે વ્યાપક ભાગીદારી કરી છે. આ જોડાણ હેઠળ ભારતમાં જ વાર્ષિક 5 કરોડ (50 મિલિયન) ડોઝ તૈયાર કરવામાં આવશે, જેના કારણે ભવિષ્યમાં આ રસી ખૂબ જ વ્યાજબી કિંમતે ઉપલબ્ધ બને તેવી પ્રબળ સંભાવના છે. અત્યાર સુધી ભારત માત્ર મચ્છર નિયંત્રણ અને લક્ષણો આધારિત સારવાર પર નિર્ભર હતું, પરંતુ હવે આ રસી એક સચોટ હથિયાર સાબિત થશે.
