વડોદરામાં ફોર્મ પાછું ખેંચનાર કોંગ્રેસનાં ઉમેદવાર પર પથ્થરમારો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના 4 ઉમેદવારો માટે મોકળુ મેદાન થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ગુપ્તવાસમાં ખસેડયા હોવા છતાંય છેલ્લી ઘડીએ ખેલ પાડવામાં ભાજપ સફળ રહ્યું છે.
વડોદરા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે નાટકીય વળાંક આવ્યો છે. વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ સાથે જ વોર્ડ નંબર 11ની આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જે ભાજપ માટે કોર્પોરેશનની પહેલી જીત ગણાય છે.
ચર્ચા એવી છે કે, વડોદરાના ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મેયરના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સાથેના અંગત સંબંધો આ કિસ્સામાં નિર્ણાયક સાબિત થયા હતા. કાયદાકીય ગૂંચ ટાળવા માટે કનુભાઈને પ્રદેશ સમિતિએ છૂટા મૂકી દીધા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારબાદ પૂર્વ ધારાસભ્યના ટેકેદારો તેમને વડોદરા પરત લાવ્યા હતા અને આજે (15મી એપ્રિલ) ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તેમની પાસે ફોર્મ પરત ખેંચાવ્યું હતું. કનુભાઈએ ફોર્મ પરત ખેંચતા રોષે ભરાયેલા કાર્યકરોએ તેમની ગાડી ઉપર પથ્થરો ફેંકી કાચ તોડી નાખ્યા હતાં.
ભાવનગર
ભાવનગર શહેરના વોર્ડ નં. 6 પીરછેલ્લા વોર્ડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈન્દુબેન પરમારે અચાનક જ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાંથી હટી જતાં ભાજપના ઉમેદવાર શિતલબેન જોશી હવે બિનહરીફ જાહેર થશે. ચૂંટણી પહેલા જ મળેલી આ ભવ્ય સફળતાને પગલે ભાજપ છાવણીમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે. આ જીત બદલ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ અને ભાજપના દિગ્ગજ નેતા તથા હાલ ભાવનગરના પ્રભારી કમલેશભાઈ મીરાણી ઉપર ચોમેરથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
અમદાવાદ
અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પડ્યા છે. સરખેજ વોર્ડના ઉમેદવાર વારિસ સૈયદે છેલ્લી ઘડીએ ખેલ પાડી ફોર્મ પરત ખેંચી લીધું છે, જેનાથી કોંગ્રેસની મુશ્કેલી વધી છે. તો થલતેજમાં પણ રમીલા ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી છે.
