જસદણ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા તાલાલા ગીરના આશાસ્પદ અધિકારીનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું. મૃતક પોતાની માનતા પૂર્ણ કરી સાળંગપુર હનુમાનજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળે તેમને આંતરી લીધા હતા. રક્ષાબંધન પહેલા જ પાંચ બહેનોના એકમાત્ર ભાઈનું અકાળે અવસાન થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, તાલાલા ગીરના નરસિંહ ટેકરી વિસ્તારમાં બિમલેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં નાયબ મામલતદાર તરીકે સેવા આપતા સંજયભાઈ મોહનભાઈ વડાલીયા (ઉંમર વર્ષ 32) સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા. માનતા પૂરી કરીને ગત રાત્રે તેઓ પોતાની કાર લઈને તાલાલા પરત ફરી રહ્યા હતા. દરમિયાન જસદણ નજીક પહોંચતા અચાનક માર્ગ પર એક પશુ આડું ઉતર્યું હતું. અને કાર ચલાવી રહેલા સંજયભાઈ વડાલીયાનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સંજયભાઈ અગાઉ ડાંગ જિલ્લામાં સરકારી ફરજમાં જોડાયા હતા.
તે સમયે તેમણે માનતા રાખી હતી કે જો તેમની બદલી પોતાના વતનની નજીક થશે, તો તેઓ સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે જશે. થોડા સમય પહેલાં જ તેમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ હોવાથી તેઓ પોતાની આ માનતા પૂર્ણ કરવા માટે સાળંગપુર દર્શન કરવા ગયા હતા, પરંતુ પરત ફરતી વખતે જ આ ગોઝારી ઘટના ઘટી હતી. વડાલીયા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક સંજયભાઈ પોતાના પરિવારમાં પાંચ બહેનોના એકના એક નાના ભાઈ હતા. રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જ પાંચેય બહેનોએ પોતાના વહાલસોયા ભાઈને ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અને વડાલીયા પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
