સાંઢિયા પુલના લોકાર્પણ કાર્યક્રમ બાદ હર્ષ સંઘવી અચાનક નરેશભાઈના ઘરે પહોંચતા ફરી રાજકીય ચર્ચાઓ તેજ
રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના ઘરે પહોંચ્યા હતા. અહીં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે લગભગ અડધો કલાક બંધબારણે બેઠક ચાલી હતી. વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક બાદ ફરી એક વખત રાજકીય અટકળો અને અનુમાનો તેજ બન્યા છે અને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે, નરેશભાઈના નિકટવર્તી વર્તુળો આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યાં છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યા બાદ અચાનક જ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના નિવાસસ્થ્ને મળવા પહોંચ્યા હતાં. આ કાર્યક્રમ અગાઉથી જાહેર કે નિયત કરાયેલ ન હોવાથી રાજકીય રીતે મુલવવામાં આવી રહ્યો છે.
ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે , ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની એવી ઈચ્છા હતી કે આપણે નરેશભાઈ પટેલના ઘરે શુભેચ્છા મુલાકાત માટે જઈએ જેથી અહીં તેઓ મળવા આવ્યા છે. નરેશભાઈની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે અને આ મુલાકાતને હું રાજકીય રીતે જોતો નથી.આ મુલાકાત અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચા-પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા અને માત્ર સામાજિક ચર્ચાઓ જ થઈ છે આ સિવાયની કોઈપણ ચર્ચાઓ થઈ નથી.
આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય ’દશાબ્દી મહોત્સવ 2027’નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂૂપે 23 મેએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના અલગ અલગ ત્રણ રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું જે સમગ્ર ગુજરાતમાં ફરી લોકોને ફરી આ આયોજનને ભવ્યાતિભવ્ય બનાવવા આમંત્રણ આપશે. આ સિવાય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક ગાયક ઓસમાણ મીરના નિવાસસ્થાને પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.
