બગસરા ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર,હેડ મિકેનિક તથા આર્ટન્સી મિકેનિકને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસપેન્ડ કરી નાખવામાં આવતા એસ.ટી.વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિભાગીય નિયામક ભાવેશ પટેલે ડેપો મેનેજર નિમિષાબેન ગઢવીને સસપેન્ડ કરતા કારણ જણાવ્યું હતું કે, તા.ર એપ્રિલના રોજ બપોરે 1ર:30 કલાકે ઉપડતી બગસરા-જૂનાગઢ-ખાંભા નાઈટ રૂૂટમાં આપેલ વાહન જી.જે.18-ઝેડ-669ર જૂનાગઢ સક્કરબાગ પાસે પહોંચતા વાહનની ચકાસણી ન કરવાના કારણે વાહનના સ્ટીયરીંગ રોડની નટ ખુલી જતા આગળ જતા વાહન સાથે અથડાતા અકસ્માત થવા પામેલ જેથી એેસ.ટી.નિગમની પ્રતિષ્ઠાને હાની પહોંચેલ છે.
બગસરા ડેપો મેનેજર સસપેન્ડ થયા બાદ તેને અમરેલી ડેપો મેનેજર સમક્ષ હાજર રહી હાજરી પુરાવવાની રહેશે. અમરેલી ડેપો મેનેજરની મંજૂરી વગર હેડ ક્વાર્ટર છોડી શકાશે નહી તો આ જ કારણોસર ડીએમઈ દ્વારા હેડ મિકેનિક કિશોર મનહરલાલ વનરાને અને આર્ટન્સી મિકેનિક નાસીરખાન પઠાણને સસપેન્ડ કરવામાં આવ્યા છે. હેડ મિકેનિક કિશોર વનરાને ઉના ડેપો ખાતે હાજરી પુરાવવાની રહેશે જયારે આર્ટન્સી મિકેનિક નાસીરખાન પઠાણને રાજુલા ડેપો ખાતે હાજરી પુરાવવાની રહેશે. આમ, બગસરા એસ.ટી.ડેપોમાં એક સાથે ત્રણ અધિકારીઓને સસપેન્ડ કરવામાં આવતા એસ.ટી.વિભાગમાં ચકચાર મચી જવા પામી છે. જોકે બગસરા ડેપોની બસમાં યોગ્ય મેન્ટેન્સ થતુ ન હોવાની પણ રાવ ઉઠવા પામી છે.
મોટાભાગની બસમાં હેડલાઈટ ટમટમિયા બની
બગસરા ડેપોની મોટાભાગની બસમાં હેડલાઈટ ટમટમીયા બની ગઈ છે. એસ.ટી.વિભાગના નિયમ મુજબ વધારાની લાઈટ લગાડી શકાતી નથી અને બસની લાઈટોના શીલબિંબ પણ બદલવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. એસ.ટી.બસની લાઈટ ટમટમીયા હોય ત્યારે રાત્રિના સમયે હાઈવે પર દોડતી લકઝરી બસની હેડલાઈટથી એસ.ટી.ના ડ્રાઈવરોને ભારે મુશકેલી પડે છે ત્યારે જીવના જાખમે ડ્રાઈવર બસ ચલાવતા હોવાનુ સામે આવ્યુ છે. જેથી કોઈ ગંભીર ઘટના સર્જાય તે પહેલા હેડલાઈટનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે તે જરૂરી છે.
