તાલુકા પોલીસ સ્ટેશનની સામે વર્ષો પહેલા બની ગયેલા 100થી 150 વારના 56 મકાનો કોમર્શિયલ બની જતાં તંત્ર એક્શનમાં
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા એક માસથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ ધાર્મિક સ્થળો તેમજ પોપટપરા, ભગવતીપરા, જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં 925થી વધુ ગેરકાયદેસર બાંધકામોની નોટીસ આપવામાં આવેલ જે કામગીરી આજ સુધી ચાલુ થઈ નથી. પરંતુ અગ્નિકાંડ બાદ 261થી વધુ એકમોને અપાયેલ 260/2 ની નોટીસોની અમલવારી શરૂ કરાઈ છે. જે અંતર્ગત કાલાવડ રોડ ઉપર તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ સીતારામ સોસાયટીના એક સાથે 56 મકાનો તોડી પાડવાની નોટીસ અપાતા ચકચાર મચી ગયેલ છે.
કાલાવડ રોડ ઉપર પ્રાઈમ લોકેશન ઉપર તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ વર્ષો જૂની સીતારામ સોસાયટી આખે આખી તોડી પાડવા માટે 56 મકાન ધારકોને નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલ સીતારામ સોસાયટીના 56 મકાન ગેરકાયદેસર છે. તેમજ આ જમીન બીનખેતી ન થયેલ હોવા છતાં તેના પર પ્લાન કમ્પ્લીશન વગર વર્ષો પહેલા મકાનો બનાવી લેવામાં આવ્યા છે. કાલાવડ રોડ ધમધમતો થતાં આ મકાનોની જગ્યાએ રેસ્ટોરન્ટ, ગોરેજ સહિતના કોમર્શીયલ બાંધકામો ખડકાઈ જતાં આખી સોસાયટીના 56 એકમોનું ડિમોલેશન જાતે કરવાની નોટીસ આપવામાં આવી છે. કાલાવડ રોડ ઉપર અગાઉ સુચીત સોસાયટીઓ તેમજ સુચીત બાંધકામો થતાં હતાં.
જેમાં અમુક બાંધકામોને નોટીસ અપાયા બાદ પણ આજે હેમખેમ છે પરંતુ રાજપથ પર વર્ષો પહેલા સીતારામ સોસાયટીના નામે 100થી 150 વારનું પ્લોટીંગ કરવામાં આવેલ અને તેના પર પ્લાન કમ્પ્લીશન વગર મકાનો બની ગયા હતાં. ત્યાર બાદ આ રહેણાકના મકાનને હેતુફેર કર્યા વગર કોમર્શીયલમાં રૂપાંતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મુખ્યમ ાર્ગો પર આવતા મોટા ભાગના મકાનોની જગ્યાએ ગેરેજ, તેમજ રેસ્ટોરન્ટ બની ગયા છે અને દરેક બાંધકામ 100થી 150 ચોરસ વાર જગ્યામાં હોવાનું ટીપી વિભાગના ધ્યાને આવતા આ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે 260/2ની નોટીસ આપવામાં આવી છે. અસરગ્રસ્તોએ જાતે બાંધકામ તોડવાનું રહેશે. છતાં કોઈ કાર્યવાહી નહી થાય તો મુદત પુર્ણ થયા બાદ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરી તમામ બાંધકામો તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે.
મવડી વિસ્તારમાં સ્કૂલ સહિતના 51 બાંધકામો તોડી પડાશે
મહાનગરપાલિકાએ ઘણા સમય બાદ ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ પગલા લેવાનું શરૂ કર્યુ છે. જે અંતર્ગત અગાઉ ત્રણેય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોને નોટીસ આપવામાં આવેલ જેની વિરુદ્ધ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. પશ્ર્ચિમ ઝોનમાં મવડી વિસ્તારમાં અંદાજે 9 માસ પહેલા 51 ગેરકાયદેસર બાંધકામોને નોટીસ આપવામાં આવેલ જે ફાઈલ ઉપરથી ધૂળ ખંખેરવામાં આવી છે અને આ વિસ્તારમાં સ્કૂલ સહિતના 51 બાંધકામો તોડી પાડવા માટેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
માર્જિંન-પાર્કિંગના દબાણોને નોટિસ બજવણી શરૂ
મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું અભિયાન શરૂ કર્યુ છે અગાઉ અપાયેલ 260/2ની નોટીસ અનવયે ડિમોલેશન કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે ત્રણેય ઝોનમાં આવતા મુખ્યમાર્ગો ઉપર તેમજ કોમર્શીયલમાં માર્જિન અને પાર્કિંગમાં થયેલા દબાણો તેમજ છાપરા અને સ્લેબના દબાણો દૂર કરવા માટે સર્વેની કામગીરી શરૂ કરી નોટીસની બજવણી ચાલુ કરી છે. જેના કારણે મુખ્યમાર્ગો ઉપરના સેંકડો દબાણો ટુંક સમયમાં દૂર કરવામાં આવશે તેમ ટીપી વિભાગે જણાવ્યું હતું.