મહેસૂલ પંચ અને SSRDની બેંચ રાજકોટને આપવા ઉઠેલી માગણી, હાઈકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્રને ક્યાં સુધી અન્યાય સહન કરવાનો?

અઢી કરોડ લોકો વર્ષોથી હાઈકોર્ટની બેંચની રાહમાં, ભાંગેલા રસ્તાઓ પર અમદાવાદ સુધીના ધક્કા ખાવામાં જીવનું પણ જોખમ રાજકોટમાં મહેસુલ પંચ તેમજ એસ.એસ.આર.ડી.ની બેંચની રાજકોટના સંસદ…

અઢી કરોડ લોકો વર્ષોથી હાઈકોર્ટની બેંચની રાહમાં, ભાંગેલા રસ્તાઓ પર અમદાવાદ સુધીના ધક્કા ખાવામાં જીવનું પણ જોખમ

રાજકોટમાં મહેસુલ પંચ તેમજ એસ.એસ.આર.ડી.ની બેંચની રાજકોટના સંસદ પરશોતમભાઈ રૂપાલા મારફત પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે માંગણી કરી છે.


પટેલે એક પત્ર મારફતે માંગણી કરેલ છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને જમીન/મહેસુલને લગતા પ્રશ્નોના વિવાદનું નિરાકરણ કરવા માટે રાજકોટ ખાતે બ્રાંચ કરવી જરૂૂરી છે. તેમને પત્રમાં જણાવેલ છે કે 2001 સુધી રાજકોટમાં આ બેંચ કાર્યરત હતી જે ભૂકંપ બાદ મકાન જર્જરિત થતા બંધ થયેલ છે. સૌરાષ્ટ્રના મહેસુલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઓખા,દ્વારકા,વેરાવળ, કોડીનાર, ઉના જેવા વિસ્તારના લોકોને અમદાવાદ પહોચતા 10 કલાક જેવો સમય લાગે છે. જેથી તેમને બે દિવસ જેવો સમયનો બગાડ થાય છે. તેમજ વારંવાર મુદતે હાજર રહેવા સમય, શક્તિ અને પેટ્રોલનો ધુમાડો થાય છે. તેનાથી છુટકારો મેળવવા અને લોકોની યાતના ઘટાડવા રાજકોટ ખાતે બંને બેંચો કાર્યરત થાય તેમજ રાજકોટ ખાતે જે પ્રકારે નાયબ નિયામક મ્યુનિસિપાલીટી કે જે સૌરાષ્ટ્ર ભરની નગરપાલિકાનો વહીવટ કરે છે. તે જ રીતે સૌરષ્ટ્રમાં ખાસ કરીને મહેસુલને લગત પ્રશ્નના નિરાકરણ માટે નાયબ સચીવ કક્ષાની એક કચેરી ખોલવામાં આવે તો સૌરષ્ટ્રના લોકોને ગાંધીનગર અને અમદાવાદના ધક્કા પટી જાય તેમ એક અખબાર યાદીમાં ગોવિંદ પટેલે જણાવ્યુ.


અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં અઢીકરોડ જેવી વસતી હોવા છતાં મહેસુલ પંચ અને રેવન્યુ સચિવ (વિવાદ) તેમજ હાઈકોર્ટની બેંચ રાજકોટને નહીં મળતા સૌરાષ્ટ્રના હજારો લોકોને દરરોજ અમદાવાદ-ગાંધીનગરના ધક્કા થાય છે. તેમાંય છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ મંથરગતિએ ચાલતુ હોવાથી અરજદારોના જીવ ઉપર સતત જોખમ રહે છે.


પૂર્વમંત્રી ગોવિંદભાઈ પટેલે મહેસુલ પંચ અને એસએસઆરડીની બેંચની માંગણી કરીને નવી શરૂઆત કરી છે. ત્યારે સૌરાષ્ટ્રની પ્રજાએ ખોબેખોબે મત આપીને ચૂંટ્યા છે. તેવા ધારાસભ્યો અને સંસદસભ્યો પણ મહેસુલ પંચ, એનએસઆરડી સાથે હાઈકોર્ટની ડિવિઝન બેંચ સૌરાષ્ટ્રને આપવા રાજ્ય સરકાર ઉપર અસરકારક દબાણ લાવી મતદારોનું રૂણ ચુકવે તે જરૂરી છે.


સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેંચ આપવાની અગાઉ અનેક વખત રજૂઆતો થઈ છે. પરંતુ સરકારમાં તે બહેરાકાને અથડાઈ છે ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્રના અઢીકરોડ લોકોનું ઋણ ચુકવવા રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો આગળ આવે અને જરૂર પડે તો સરકાર સામે આંદોલન પણ કરે તે જરૂરી છે.


હાઈકોર્ટની બેંચ આપવાના મુદ્દે સૌરાષ્ટ્રને વર્ષોથી અન્યાય થી રહ્ય છે. દિવસે દિવસે વિવાદો અને કેસો વધી રહ્યા છે. વસતી પણ વધી રહી છે. તેમ છતાં હાઈકોર્ટ સહિતની બેંચો આપવામાં નેતાઓ નપાણીયા સાબિત થયા છે. અને તેનો ભોગ પ્રજા બની રહી છે.

સૌરાષ્ટ્રના 54 ધારાસભ્યો અને 8 સંસદભ્યોનો પ્રજા સાથે દ્રોહ
સૌરાષ્ટ્રને વર્ષોથી હાઈકોર્ટની બેંચ મળતી નથી અને અઢી કરોડ લોકો પીડાઈ રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના 54 ધારાસભ્યો તથા 8 સંસદ સભ્યો ગાંધીનગર કે દિલ્હી જઈને ‘ચું કે ચા’ કરતા નથી રાજકોટ-અમદાવાદ હાઈવેના કામના કારણે સૌરાષ્ટ્રવાસીઓ અદ્યોગતિ સહન કરી રહ્યા છે. તેની સાથે હાઈકોર્ટની ડિવિઝન બેંચ સૌરાષ્ટ્રમાં ન હોવાથી વર્ષોથી પીડા ભોગવી રહ્યા છે. કોર્ટ કચેરીના કામે અમદાવાદ જતાં લોકો રોજેરોજ અકસ્માતોનોભોગ બની રહ્યા છે. પરંતુ સાંસદો-ધારાસભ્યો ગુનાહિત મૌન દાખવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *