વિદ્યાર્થીઓ ઉપર સરકારની બર્બરતા સામે ઉગ્ર નારાજગી, બેનરો સાથે સુત્રોચ્ચાર કરી આવેદનપત્રો અપાયા
નીટના પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના પગલે દિલ્હીમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા આંદોલન કચડવા સરકારે બળપ્રયોગ કરતા હવે આ આંદોલન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગની જેમ પ્ર્રસરી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેર રાજકીય પક્ષો તથા વિવિધ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓના ટેકામાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. ઠેરઠેર સરકાર વિરોધી સુત્રોચ્ચાર અને આક્રોશ સાથે છાત્રોની લડતને ટેકો જાહેર કરવામાં આવી રહ્યો છે.
મોરબી
મોરબીના નગર દરવાજા ચોકમાં વિદ્યાર્થીઓ દ્વારા બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા અને દેશના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા તેમજ વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવામાં આવે અને પેપર લીકના કૌભાંડમાં સંડોવાયેલા જે કોઈ શખ્સો હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી આ તકે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાંથી પોલીસ દ્વારા સ્થળ ઉપરથી અમુક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર હાજર રહેલા કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેથી પોલીસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોને પણ ડિટેન કર્યા હતા. અને બધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ભાવનગર
ભાવનગર શહેરના ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક ’હલ્લાબોલ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઊઊઝ મુદ્દે સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપી અને ખેંચતાણ જોવા મળી હતી. આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો છતાં પણ કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચી પૂતળાનું દહન કર્યું હતું.
ભાજપ સરકાર શરમ કરો! ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપો ના નારા સાથે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના મહિલા આગેવાન , દર્શનાબેન જોષી,સોનલબેન પટેલ વિગેરે દ્વારા’ કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ ’શરમ કરો… શરમ કરો… ભાજપ સરકાર શરમ કરો! રાજીનામું આપો… ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપો!’ ના નારાઓ સાથે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગોહિલ, જયેશભાઈ ભટ્ટ વિગેરે આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
ઉના
દિલ્હી ખાતે વિદ્યાર્થીઓના આંદોલન અને કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતાઓ સાથે થયેલા કથિત વ્યવહારના વિરોધમાં ઉના-ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉનામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સર્કિટ હાઉસથી બેનરો સાથે પગપાળા રેલી કાઢી હતી. રેલી ત્રિકોણબાગ ખાતે પહોંચતા કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનને ન્યાય આપવાની માંગ સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
વેરાવળ
દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની અટકાયત ના વિરોધમાં વેરાવળ ના ટાવર ચોક ખાતે એનએસયુઆઇ દ્વારા ચક્કાજામ સાથે વિરોધ પ્રદર્શન કરેલ હતું.
ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના ઉપપ્રમુખ રિયાઝ સુમરા ની આગેવાનીમાં વેરાવળ ના ટાવર ચોક ખાતે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશના વિદ્યાર્થીઓ પોતાના હક્ક અને ભવિષ્ય માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવી રહ્યા હોય ત્યારે તેના પર લાઠી વરસાવી એ લોકશાહી પર સીધો હુમલો છે. વિદ્યાર્થીઓને વાત સાંભળવાને બદલે તેમને દબાવવાનો પ્રયાસ અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય છે.
