દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી રહી છે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપે બહુમતીના આંકડાને પાર કર્યો છે. ભાજપ 47 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી (AAP) 22 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે.
શરૂઆતના ટ્રેન્ડમાં AAPના ઘણા મોટા માથાઓ પાછળ છે. નવી દિલ્હી બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના અરવિંદ કેજરીવાલ, કાલકાજી બેઠક પરથી આતિશી, માલવીય નગરથી સોમનાથ ભારતી તો ઓખલાથી અમાનુતુલ્લા ખાન પાછળ છે. જ્યારે પટપરગંજ બેઠક પરથી અવધ ઓઝા અને જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા આગળ નીકળ્યા છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતના પુત્ર નવી દિલ્હીથી કેજરીવાલની સાથે પાછળ રહ્યા છે. તો આ બન્નેને હંફાવનાર ભાજપના પ્રવેશ શર્મા આ સીટ પરથી આગળ છે.
દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.