વર્ષોથી 80 હજાર ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવા કલેક્ટર તંત્ર દ્વારા મેગા કવાયત
પોલીસ બંદોબસ્ત હેઠળ બાંધકામો ઉપર નોટિસો ચીપકાવાઇ, 29મીએ જવાબ સાથે રૂબરૂ હાજર રહેવા દબાણકારોને મુદત
અમદાવાદના ચંડોળા તળાવ જેવુ જ મેગા ડિમોલીશન રાજકોટમાં પણ કરવા કલેક્ટર તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. શહેરના ભાવનગર રોડ ઉપર આજીનદીના કાંઠા વિસ્તારમાં આવેલા જંગલેશ્ર્વરમાં આશરે 80 હજાર ચોરસ મીટર જમીનમાં વર્ષોથી ખડકાયેલા 500 જેટલા ગેરકાયદે કાચા-પાકા મકાનો ખસેડવા કલેક્ટર તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતા ભારે દેકારો મચી જવા પામેલ છે.
કલેક્ટર તંત્ર દ્વારા આજથી જંગલેશ્ર્વરમાં સરકારી જમીન ઉપર ઉભેલા દબાણો હટાવવા નોટિસો ચીપકાવવાનું શરૂ કરાયુ છે અને આગામી તા.29મીએ મિલકતાના આધાર-પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવા જણાવતા દબાણકારોમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
રાજકોટ કલેક્ટર ડો. ઓમપ્રકાશ દ્વારા આગામી દિવસોમાં મેગા ડિમોલિશન કરવાના આદેશ બાદ આજે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી તંત્રની ટીમો ત્રાટકી હતી. કરોડોની કિંમતની સરકારી જમીન પર વર્ષોથી જમાવાયેલા દબાણો દૂર કરવાની દિશામાં તંત્રએ પ્રથમ તબક્કે નોટિસ ફટકારવાનું અભિયાન હાથ ધર્યું છે.
પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ અજમેરા અને સર્કલ ઓફિસર સત્યમ સેરશીયાના નેતૃત્વમાં મનપાની ટીમ અને તમામ તલાટીઓનો કાફલો જંગલેશ્વર પહોંચ્યો હતો. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીઆઈ સરવૈયા અને એસપી જાદવ સહિત 60 થી 70 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આજે તંત્રએ નોટિસ આપવાની શરૂૂઆત કરી ત્યારે સ્થાનિક સ્તરે મોટો હોબાળો થયો હતો. અનેક જગ્યાએ ટોળાઓ એકઠા થયા હતા અને તંત્રની કામગીરીનો વિરોધ કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસની કડક હાજરીને કારણે મામલો થાળે પડ્યો હતો અને કોઈ મોટી દુર્ઘટના બની ન હતી.
તંત્ર દ્વારા કુલ 500 જેટલા ગેરકાયદે વસવાટ કરતા આસામીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે. આ તમામ લોકોને આગામી તારીખ 29 ડિસેમ્બરના રોજ પૂર્વ મામલતદાર અજમેરાની ટીમ દ્વારા હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. હિયરિંગ બાદ તંત્ર દ્વારા આ મેગા ડિમોલિશનની આખરી તારીખ નક્કી કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.
જંગલેશ્વર ટીપી નંબર 6, ફાઈનલ પ્લોટ 159માં અંદાજે 80,000 ચોરસ મીટર જમીન. આશરે 70 થી 80 કરોડ રૂૂપિયા.છેલ્લા 30 વર્ષથી આ કિંમતી જમીન પર કાચા-પાકા મકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું છે.
