ઉપલેટા નગરપાલિકાના વહીવટી તંત્રમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા અને ચીફ ઓફિસર ડો. ઉદય નસીત દ્વારા સંયુક્ત રીતે એક આકરો નિર્ણય લેતા, વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 53 જેટલા કરાર આધારિત અને રોજમદાર કર્મચારીઓને એકસાથે ફરજ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ નિર્ણયને પગલે અસરગ્રસ્ત કર્મચારીઓમાં ભારે રોષ છવાયો છે. પાલિકાના ચીફ ઓફિસરે અચાનક લીધેલા આ નિર્ણયથી 53 કર્મચારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. મોંઘવારીના આ સમયમાં એકાએક રોજગારી છીનવાઈ જવાથી કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની જશે અને ”ઘર ભાંગે” તેવી સ્થિતિ સર્જાઈ છે.
બેરોજગાર બનેલા કર્મચારીઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉપલેટા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જારી કરવામાં આવેલા હુકમ મુજબ, કચેરીના જુદા-જુદા વિભાગોમાં જરૂૂરિયાત મુજબ આ કર્મચારીઓની નિમણૂક તદ્દન કામચલાઉ અને હંગામી ધોરણે કરવામાં આવી હતી.
આ અગાઉ આ કર્મચારીઓની મુદ્દત 11 માસ માટે વધારવામાં આવી હતી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જ્યાં સુધી નવી આઉટસોર્સિંગ એજન્સી કાર્યરત ન થાય ત્યાં સુધી જ તેઓ સેવામાં રહેશે.હાલમાં, ઉપલેટા નગરપાલિકા માટે મેનપાવર પૂરો પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી, આર. એમ. એસોસીએટ (રાજકોટ) ને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. નવી એજન્સી આવી જતાં જૂના 53 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.
