શેડ હાઉસ્ફૂલ સામે ફાળવેલ જગ્યા ભ્રષ્ટ અધિકારીઓએ કાર મેળાને આપી દેતા ભારે ટ્રાફિકવાળા રોડ પર મોતના માંચડાઓ ગોઠવાયા
શહેરમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ગેમઝોન તેમજ બાળકિડાગ્રણ સહિતના મનોરંજનમાં આવતા નિયમો કડક બનાવ્યા છે. જે અંતર્ગત સરકાર દ્વારા પણ નવી એસઓપી જાહેર કરાવમાં આવી છે. તેનું ફક્ત પાલન કરવાની સુચના પણ આપવામાં આવી છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનું નિંભર તંત્ર આ દુર્ઘટના માંથી શીખ ન લીધી હોય તેમ થોડા સમય ચેકીંગ કામગીરી કરી હાલ અનેક આ પ્રકારના બાળકોની રાઈડ્સોને રામ ભરોશે મુકી દીધી હોય તેમ ગાયત્રી નગર મેઈન રોડ ઉપર ભારે વાહનોના સતત ટ્રાફિક વચ્ચે ચકરડીઓ તેમજ અન્ય એકમોને રોડ ઉપર ઉભા રહેવાની છૂટ આપી હપ્તા અથવા ભાડુ લેવાનું શરૂ કરતા દરરોજ આ રોડ ઉપર બાળકો ઉપર જીવનું જોખમ જળુમતું જોવા મળી રહ્યું છે.
80 ફૂટ રોડ ઉપર આવેલ શેઠહાઈસ્કૂલની સામેના બગીચાની બાજુમાંથી પસાર થતાં ગાયત્રી નગર મેઈન રોડના ખુણા ઉપર હાલ નાના ફજર, ચકરડી સહિતના મનોરંજન સાધનો દરરોજ સાંજે ગોઠવી દેવામાં આવે છે. જગ્યા રોકાણ અથવા એસ્ટેટ વિભાગ દ્વારા આ લોકો પાસેથી નિયમ અનુસાર ફી વસુલવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ રોડ ઉપર સતત મોટા વાહનોની અવર જવર હોવાના કારણે ગમે ત્યારે કોઈવાહન આ ચકરડી અથવા અન્ય સાધનમાં ઘુસી જાય ત્યારે મોટી જાનહાની થવાનો ભય જોવાઈ રહ્યો છે. અને આ મુદ્દે અનેક વખત ફરિયાદો પણ થઈ હોવાનું જાણ મળ્યું છે. છતાં ટીઆરપી ગેમઝોન બાદ આ દુર્ઘટનામાંથી છટકી જનારા પદાધિકારીઓ તેમજ અમુક અધિકારીઓનું પેટનું પાણી પણ હલતુ નથી અને દુર્ઘટનાની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે. ચકરડીઓના કારણે ત્યાં આવતા બાળકોના વાલીઓ દ્વારા વાહનો પણ આડેધડ પાર્ક કરવામાં આવી રહ્યા છે. જેના લીધે અકસ્માતનો ભય કાયમી ઉભો રહે છે. છતાં તંત્ર દ્વારા આજ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
ગાયત્રી નગર મેઈન રોડ ઉપર ઉભા રહેતા ચકરડી વાળાઓ પાસેથી ફકત ફી વસુલી તંત્ર પોતાની જવાબદારી ખંખેરી રહ્યું છે. જેની સામે વાલીઓ પણ અજ્ઞાનતાના કારણે પોતાના વ્હાલસોયા બાળકને રમત-ગમતના સાધનોમાં બેસાડી અજાણતા મોટી ભુલ કરી રહ્યા છે. ગેમઝોન બાબતે સરકાર દ્વારા કડક નિયમો કરવામાં આવ્યા છે. તાજેતરમાં કે.કે.વી. હાઈલેવલ ઓવરબ્રીજ નીચે ગેમઝોન તૈયાર કરવામાં આવેલ જેનો વિરોધ હજુ સુધી સમ્યો નથી કારણ કે, આ ગેમઝોન બાજુમાંથી પસાર થતાં સર્વિસ રોડ ઉપરના વાહનો ગમે ત્યારે ગેમઝોનમાં ઘુસી જાય તો મોટી દુર્ઘટના સર્જાય શકે તેવી ભીતી સેવાય રહી છે. જેની સામે ગાયત્રીનગર મેઈન રોડ ઉપર ખુલ્લામાં મુખ્ય રોડ ઉપર ચકરડી વાળાઓને ક્યા અધિકારી કે, ક્યા પદાધિકારીએ ઉભા રહેવાની છુટ આપી તે તપાસનો વિષય બન્યો છે.
બગીચા પાછળની જગ્યા કારમેળા વાળાને આપી દેવાઈ
ગાયત્રીનગર મેઈન રોડ ઉપર ચકરડી વાળાઓને ઉભા રહેવાની છુટ તંત્ર દ્વારા આપી દૂર્ઘટનાની રાહ જોવાઈ રહી છે ત્યારે જાણકારોના જણાવ્યા મુજબ બગીચાનો પાછળનો રોડ કે જ્યાં વાહનોની અવર જવર નથી તે જગ્યાઓ પર ચકેડી વાળાઓને રાખવાની છૂટ આપવી જોઈએ અગાઉ આ જગ્યાએ જ આ લોકો ઉભા રહેતા હતા પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓ અથવા પદાધિકારીઓની ભલામણથી બાળકોની ચકરડીની જગ્યા કારમેળા વાળાને આપી દેવામાં આવી છે અને આ સ્થળ ઉપર કાર રાખવા માટે મોટો હપ્તો પણ ઉઘરાવવામાં આવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દે પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર જાતે સ્થળ તપાસ કરી બાળકોના જીવ ન જોખમાય તે મુજબની વ્યવસ્થા કરે તેવી ચર્ચા જાગી છે.
