મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરતું ઈરાન, ઇઝરાયેલ માટે જાસૂસી કરનારને ઇરાનમાં ફાંસી
ઈરાનના અત્યાર સુધીના અમેરિકા-ઈઝરાયેલ સામેના યુધ્ધમાં મુખ્ય વોર સ્ટ્રેટેજિસ્ટ એટલે કે યુધ્ધના પ્રમુખ રણનીતિકાર એવા સિકયોરિટી ચીફ અલી લારિજાનીનું ઈઝરાયેલે કરેલા ‘ટાર્ગેટેડ’ હુમલામાં મોત નિપજ્યું હોવાની ઘટનાને આજે ખુદ ઈરાની સરકારી તંત્રે પુષ્ટિ આપી હતી. લારીજાનીએ અમેરિકા સામેની વ્યુહાત્મક અને પ્રતિકાત્મક યુધ્ધની જે ‘લો કોસ્ટ’ નીતિ ઘડી હતી તેની યુધ્ધ વિશ્ર્લેષકોએ પ્રશંસા કરી હતી. ટ્રમ્પને તેના જુના તમામ સાથી દેશોથી વિખુટા પાડવા માટેની આંતરરાષ્ટ્રીય ઈરાની ધાક જમાવવામાં લારીજાનીનો જોટો જડે એમ નહોતો હવે ઈરાન એમના અભાવે નવા યુધ્ધ નેતૃત્વ સંકટમાં અટવાઈ ગયું છે.
ઇઝરાયલ-અમેરિકન સાથે યુદ્ધમાં ઈરાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઇઝરાયલના દાવાની પુષ્ટી થઈ છે કે ઇરાનના સિક્યોરિટી ચીફ અલી લારીઝાની માર્યા ગયા છે. ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે મંગળવારે તેના ચીફ અલી લારીઝાનીના મોતની પુષ્ટી કરી હતી. ઇઝરાયલે મંગળવારે દાવો કર્યો હતો કે તેમના હવાઈ હુમલામાં લારીઝાની માર્યા ગયા છે.
ઇરાની સરકારી મીડિયા અનુસાર, આ ઇસ્લામિક રિપબ્લિક માટે એક મોટો ફટકો છે, કારણ કે યુદ્ધ દરમિયાન તેના સૌથી અનુભવી અને પ્રભાવશાળી નીતિ નિર્માતાઓમાંના એકનું મોત થયું છે. ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે કહ્યું કે ઇઝરાયલી હુમલામાં તેમના પુત્ર અને અંગરક્ષક તેમની સાથે માર્યા ગયા હતા. ઇરાન અને ઇસ્લામિક ક્રાંતિની પ્રગતિ માટે જીવનભર સંઘર્ષ કર્યા પછી તેમણે આખરે તેમની લાંબા સમયથી પ્રિય ઇચ્છા પૂર્ણ કરી.” તેમણે સેવાના મોરચા પર સન્માન સાથે શહાદતનો મધુર વરદાન પ્રાપ્ત કર્યું છે.
બાસિજ ફોર્સના વડા જનરલ ગુલામ રઝા સુલેમાનીનું મૃત્યુ થયું હોવાની પણ પુષ્ટી કરવામાં આવી હતી. અગાઉ ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે સુલેમાની અને ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ અલી લારીઝાનીનું ગઈકાલે રાત્રે મૃત્યુ થયું હતું. ઇઝરાયેલ માટે જાસૂસી કરનારને ઇરાનમાં ફાંસી આપી હતી.
લારીઝાની સાથે તેમના પુત્ર મોર્તેઝા લારીઝાની, તેમના કાર્યાલયના વડા અલીરેઝા બયાત અને ઘણા બોડીગાર્ડ્સ પણ માર્યા ગયા હતા. ઈરાન ઈન્ટરનેશનલે રિપોર્ટમાં કહ્યું હતું કે બાસીજ અર્ધલશ્કરી સંગઠનના નાયબ વડા કાસેમ કોરેશીનું પણ બસીજની એક બેઠક દરમિયાન ઇઝરાયલી હુમલામાં મૃત્યુ થયું હતું, જ્યાં આગામી તહેવાર દરમિયાન સંભવિત વિરોધ પ્રદર્શનોનો સામનો કરવા માટે વ્યૂહરચનાઓની ચર્ચા થઈ રહી હતી.
67 વર્ષીય અલી લારીઝાની ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા હતા. તેઓ તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ તેમના નિવેદનો માટે સમાચારમાં હતા. લારીઝાની આયાતુલ્લા અલી ખામેનેઈની નજીક હતા. તેઓ દાયકાઓ સુધી સરકારની પરમાણુ નીતિ અને વ્યૂહાત્મક રાજદ્વારીના કેન્દ્રમાં રહ્યા. ભૂતપૂર્વ સુપ્રીમ લીડરની હત્યા પછી તેમની શક્તિમાં વધારો થયો અને તેમને ઈરાનનું નેતૃત્વ કરવા માટે ટોચના દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ આખરે તેમના માર્યા ગયેલા પિતાના સ્થાને મોજતબા ખામેનેઈની નિમણૂક કરવામાં આવી હતી.
