દાખલો નજીકના ફાયર સ્ટેશનમાં આપવાથી અંતિમવિધિની મંજુરી મળશે
મહાનગરપાલિકામાં ચુંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં હાલ કોર્પોરેટર પાસે હવે દાખલા કાઢવાની સત્તા રહી નથી આથી વહીવટદાર શાસન આવ્યા બાદ લોકો દ્વારા ખાસ કરીને મરણના દાખલાઓ માટે રઝડપાટ ચાલુ કરી હતી અને દાખલાની વ્યવસ્થા તંત્ર ઉભુ કરે તેવી માંગ કરતાં અંતે કોર્પોરેશને મરણજનારની અંતિમ ક્રિયા માટે ઉપયોગમાં આવતાં કોર્પોરેટરોના દાખલા હવેથી તમામ આરોગ્ય કેન્દ્ર ખાતેથી કાઢવાનો નિર્ણય લીધો છે.
આથી જે તે વોર્ડના લોકોએ તેમના વોર્ડમાં આવતાં આરોગ્ય કેન્દ્ર ખાતેથી દાખલો મેળવવાનો રહેશે.
રાજકોટ મહાનગરપાલિકામાં શાસકોની મુદ્દત પુર્ણ થતા હાલ રાજકોટ શહેરમાં વહિવટદારશ્રીની નિમણુંક થયેલ છે. રાજકોટ શહેરમાં 60 વર્ષથી ઉપરની વૃધ્ધ વ્યક્તિના વૃધ્ધાવસ્થાના કારણે અવસાન થાય ત્યારે વિસ્તારના કોર્પોરેટરશ્રીના પ્રમાણપત્ર રજુ રાખી નજીકના ફાયરસ્ટેશનમાં મરણ અંગેની નોંધ કરાવવામાં આવે છે.
હાલ શહેરમાં કોર્પોરેટરશ્રીની મુદ્દત પુર્ણ થયેલ હોય નવા કોર્પોરેટરશ્રીઓની નિમણુંક ન થાય ત્યાં સુધી શહેરમાં 60 વર્ષથી વધુ ઉમરના વૃધ્ધોના અવસાન વૃધ્ધાવસ્થાના કારણે થાય ત્યારે સવારના 09:00 કલાકથી સાંજના 06:00 કલાક દરમ્યાન નજીકના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. જે મૃતકના સગાને મૃત્યુ અંગેનુ પ્રમાણપત્ર આપશે અને આ સમય સિવાય નજીકમાં મેડીકલ પ્રેકટીશ કરતા રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનર (રજીસ્ટર ડોક્ટરશ્રી)નો સંપર્ક કરી તેઓની પાસેથી મૃત્યુ અંગેનુ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. જે પ્રમાણપત્ર નજીકના ફાયરસ્ટેશનમાં જોડી અને અંતિમવિધી અંગેની મંજુરી મેળવવાની રહેશે.
