ભારત અને યુરોપિયન યુનિયન(ઇયુ) વચ્ચે અંતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) એટલે કે મુક્ત વ્યાપાર કરાર પર સહીસિક્કા થઈ ગયા. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્મુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાની હાજરીમાં થયેલા આ કરારના કારણે ભારત અને યુરોપ વચ્ચેના સંબંધોમાં તો એક નવા પ્રકરણની શરૂૂઆત થશે જ પણ વૈશ્વિક સ્તરે પણ નવાં સમીકરણો રચાશે.
યુરોપિયન યુનિયન (ઇથુ) વિશ્વનો સૌથી મોટો ટ્રેડ બ્લોક એટલે કે વ્યાપાર સમૂહ છે જ્યારે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું બજાર છે. ભારતની વસતી લગભગ 150 કરોડ છે અને યુરોપિયન યુનિયનની વસતી 50 લાખની આસપાસ છે એ જોતાં બંને એક સાથે થાય તેનો મતલબ એ કે, બંને દેશોની કંપનીઓ માટે 200 કરોડ લોકોનું તોતિંગ માર્કેટ ઉપલબ્ધ થશે તેથી દુનિયાનાં આર્થિક સમીકરણો જ બદલાઈ જશે. વિશ્વના વસતી અને જીડીપી બંનેના 25-25 ટકાને આવરી લેતા આ કરારના કારણે બંને દેશો જબરદસ્ત ફાયદામાં રહેશે. આ કરારના કારણે કેટલી રોજગારી ઊભી થશે ને કોને કરવેરાની કેટલી આવક થશે તેનો અંદાજિત ડેટા અપાયો છે પણ એ બધામાં નિવડયે વખાણ થાય એ જોતાં તેની વાત કરવાનો મતલબ નથી પણ બંનેને આર્થિક રીતે જબરદસ્ત ફાયદો છે તેમાં મીનમેખ નથી.
ભારત અને યુરોપિયન યુનિયનના કરારથી અમેરિકાનાં વરસોના એકહથ્થુ વર્ચસ્વને પણ પડકાર મળશે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ લુખ્ખી દાદાગીરી કરીને ટેરિફના હથિયારથી આખી દુનિયાની મેથી મારી રહ્યા છે ત્યારે વિશ્વમાં લોકશાહીને વરેલા સૌથી મોટા દેશ એવા ભારત અને લોકશાહી દેશોના સમૂહ એવા યુરોપિયન યુનિયને અમેરિકાની ઐસીતૈસી કરીને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, દુનિયા અમેરિકા પૂરતી મર્યાદિત નથી અને અમેરિકાના ઈશારે દુનિયા નાચતી એ દિવસો પૂરા થઈ ગયા છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત થાય તેના કારણે દુનિયાના બીજા દેશોને પણ પ્રેરણા મળશે અને અત્યારે અમેરિકા પર નિર્ભર દેશો અમેરિકા સિવાયના વિકલ્પો વિશે વિચારતા થઈ જશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે વાટાઘાટો છેક 2007માં શરૂૂ થઈ હતી અને છેલ્લાં 19 વર્ષથી ઘમ્મરવલોણું ચાલતું હતું પણ માખણ નીકળતું જ નહોતું. ડો. મનમોહનસિંહની સરકારે યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડર એગ્રીમેન્ટ માટે દિલથી પ્રયત્નો કરીને ઉપરાછાપરી બેઠકો કરેલી.
સળંગ છ વર્ષ સુધી વાટાઘાટો ચાલી પણ કશું ના નિપજ્યું એટલે 2013માં વાટાઘાટો સ્થગિત ગઈ હતી. ટ્રમ્પને ડીયર ફ્રેન્ડ ગણાવવાથી અમેરિકા ભારત પર રીઝી જશે એવી મોદીની ધારણા હતી પણ ટ્રમ્પે દોસ્તીની ઐસીતૈસી કરીને ભારતની બજાવવા માંડી પછી મોદી સાહેબને ભાન થયું કે, અમેરિકા સાથે મેળ નહીં પડે એટલે તેમણે બીજા વિકલ્પો વિશે વિચારવાનું શરૂૂ કર્યું તેમાં યુરોપિયન યુનિયન સાથે 2021માં વાટાઘાટો ફરી શરૂૂ થઈ. છેલ્લાં 5 વર્ષથી વાટાઘાટો ચાલતી હતી ને અત્યાર સુધીમાં 14 બેઠકો યોજાઈ હતી. ભારતનો વારો તો બહુ પહેલાં જ આવી ગયેલો પણ છેલ્લે છેલ્લે ટ્રમ્પે યુરોપિયન યુનિયનનો પણ વારો પાડી દીધો એટલે યુરોપિયન યુનિયનના નેતા બધી મમત મૂકીને ભારત દોડી આવ્યા ને મધર ઓફ ઓલ ડીલ કરી નાંખ્યું.
