શાપરમાં જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો

શરદી-ઉધરસની સારવાર માટે દાખલ કરાયેલી પરિણીતાનું મોત; બે બાળકોએ માતાની મમતા ગુમાવી શિયાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માજા મુકી હોય તેમ જીવલેણ બની રહ્યો છે અને…

શરદી-ઉધરસની સારવાર માટે દાખલ કરાયેલી પરિણીતાનું મોત; બે બાળકોએ માતાની મમતા ગુમાવી

શિયાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માજા મુકી હોય તેમ જીવલેણ બની રહ્યો છે અને રોગચાળાના કારણે છાશવારે લોકોના મોત નિપજતાં હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં રહેતી પરિણીતાને શરદી-ઉધરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું મોત નિપજયું હતું. પરિણીતાના મોતથી બે સંતાનોએ માતાની મમતા ગુમાવતાં પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપરમાં આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતી કાવ્યાબેન સંજયભાઈ ભાવિષ્કર નામની 37 વર્ષની પરિણીતાને બે દિવસ પહેલા શરદી-ઉધરસની સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિણીતાનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં કાવ્યાબેન મુળ મહારાષ્ટ્રનાં વતની હતાં અને તેમના પતિનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. કાવ્યાબેનનું શરદી ઉધરસથી મોત નિપજતાં બે બાળકોએ પિતા બાદ માતાનું પણ છત્ર ગુમાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *