બગસરા શહેરમાં જમીન પચાવી પાડવા માટે પોતાના જ ભાઈને મૃત બતાવવાનું ષડયંત્ર ઊભું કરાય હતું પરંતુ અખબારમાં નોટિસ પ્રસિદ્ધ થતા જ મૃતક સદેહે હાજર થતા મામલતદાર આશ્ચર્યમાં મુકાયા હતા. ખોટું સોગંદનામુ કરનાર વ્યક્તિ સામે કડક પગલાં લઈ દાખલો બેસાડવાને બદલે માફી પત્રો લખાવવામાં આવી આવવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે.
મળેલ વિગતો મુજબ બગસરાના ગોકુળપરા વિસ્તારમાં રહેતા એક ખેડૂત સુરેશભાઈ કેશુભાઈ ભુવા દ્વારા છેલ્લા 20 વર્ષથી સુરત રહેતા તેના ભાઈ દિનેશભાઈ ભુવાને મૃતક બતાવી પિતૃક જમીન સહિતની સંપત્તિ પોતાના નામે કરાવી લેવાનું ષડયંત્ર ઊભું કર્યું હતું જેમાં તેની સાથે ખોટું સોગંદનામુ અને આગળની કાર્યવાહી કરવા માટે નોટરી મુકેશભાઈ વઘાસિયા પણ જોડાઈ ગયા હતા. સમગ્ર પ્રકરણ બગસરા મામલતદાર કચેરીમાં ચાલી રહ્યું હતું જેમાં છેલ્લે મૃતકના નામની આખરી અખબારી નોટિસ પ્રસિદ્ધ કરવામાં પણ આવી ગઈ હતી. આ નોટિસની સુરત રહેલા મૂળ વ્યક્તિને જાણ થતા તેઓ સીધા મામલતદાર સમક્ષ ઊભા રહી ગયા હતા. અને શા માટે મને મૃતક જાહેર કરો છો તેવો પ્રશ્ન પૂછતા મામલતદાર ઊભા થઈ ગયા હતા. તેમજ તાત્કાલિક અરજદાર સુરેશભાઈ અને તેના વકીલ મુકેશભાઈ વઘાસિયા વિરુદ્ધ નોટિસ કાઢી હતી પરંતુ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે માફી પત્ર લખાવી સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું. પરંતુ આ બાબત લોકોમાં પ્રસરી જતા લોકોમાં પણ આશ્ચર્ય સાથે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
આ બાબતે બગસરા મામલતદાર પ્રશાંત ભીંડીના જણાવ્યા અનુસાર કચેરી ખાતે બંને ભાઈઓને બોલાવતા બંને રડી પડ્યા હતા અને માફી માગી લીધી હતીનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરામાં નોટરીનું લાયસન્સ ધરાવતા અનેક લોકો દ્વારા ખોટી રીતે સોગંદનામાં કરવામાં આવી રહ્યા છે આ બાબતે પણ તપાસ થાય તે જરૂૂરી છે અને આવા ખોટા નોટરી કર્તા વકીલોનું લાયસન્સ કેન્સલ કરવું જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે. કલેકટર સાહેબ તપાસ કરે તો ઘણું બહાર આવે તેવી શક્યતા છે આવા ખોટા કાગળ ઉભા કરનાર ને તપાસ કરી આવું ફરીવાર બગસરા તાલુકામાં ન બને અને આવી પ્રવૃત્તિ કરવાવાળા લોકોને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
