રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળનાર નવનિયુક્ત અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે સરકારી હોસ્પીટલની ઓચિંતિ મુલાકાત લીધી હતી. સિવિલ દર્દીઓને મળતી સુવિધા અને સમસ્યાની માહિતી મેળવી હતી તેમજ સિવિલ વિવિધ વિભાગોની વિઝિટ કરી હતી.
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે કહ્યું હતું કે સિવિલમાં સૌથી વધારે જરૂરીયાતમંદ દર્દીઓ આવતા હોય છે. વર્તમાનમાં વાતાવરણના લીધે દર્દીઓની સંખ્યા સૌથી વધારે હોવાથી સિવિલની ઓપીડીની મુલાકાત લઇ અને ત્યાં દર્દીઓને મળતી સારવાર અને સુવિધાની ચકાસણી કરાઇ હતી તેમજ અમુક જરૂરી સુચના આપી હતી તેમજ દર્દીઓ સાથે સારવાર અંગે વાર્તાલાપ કર્યો હતો.
સિવિલ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા આયુષ્યમાન કાર્ડ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને ઓનલાઇન કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ દર્દીઓને ઝડપથી આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે હાજર સ્ટાફને પણ સુચના આપવામાં આવી હતી. ઉપરાંત સિવિલના વિવિધ વોર્ડ અને વિભાગની કામગીરી પણ નિહાળી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં કહ્યું હતું કે સોમનાર અને બુધવારના રોજ સરકારી સંસ્થાઓની મુલાકાત લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અરજદારોની થતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. સિવિલની મુલાકાતવેળાએ ડીડીઓ સાથે સિવિલ સર્જન ડો.મોનાલી માંકડીયા વહીવટી અધિકારી રાજુ ચૌહાણ સહીતનો સ્ટાફ હાજર રહ્યો હતો.