હાલના સમયમાં મોબાઈલમાં યુવાનો અને બાળકોમાં રિલ્સનું વળગણ વધારે જોવા મળી રહ્યું છે. બાળકો અને યુવાનો રિલ્સ જોવાના ચક્કરમાં મોબાઈલમાં કલાકોનો સમય પસાર કરે છે. તેને કારણે કયારેક મુસીબતમાં પણ મુકાય છે. તેમજ આ વળગણ છોડાવવા માતા-પિતા જ્યારે ઠપકો આપે છે. ત્યારે તેઓને એ વાત ગમતી નથી અને ગમે ત્યારે વિચાર્યા વગરનું પગલું ભરી લે છે.
આવી જ એક ઘટના રાજકોટ શહેરની ભાગોળે બની છે. જેમાં રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર એરપોર્ટ નજીક આવેલા કુચિયાદડ ગામે રહેતી સગીરા તેના મોબાઈલ રિલ્સ જોતી હતી ત્યારે તેમના માતાએ તેમને સુઈ જવાનું કહેતા તેણીને લાગી આવ્યું હતું અને કોઈ પણ જાતના વિચાર કર્યા વગર એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.
વધુ વિગતો એવી છે કે, કુચિયાદડ ગામે રહેતી પાયલ નામની 17 વર્ષની તરૂણી રાત્રીએ સાડા અગિયારેક વાગ્યે કુચિયાદડમાં આવેલા એમ.પે.પોલીમર્સ કારખાનામાં રૂમમાં હતી ત્યારે માતા ગીતાબેને તેમને મોબાઈલમાં રીલ્સ જોવાની ના પાડી અને સુઈ જવા મામલે ઠપકો આપતાં તેમને લાગી આવ્યું હતું અને તેણીએ એસીડ પી લીધું હતું. તેણીને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પાયલ એક ભાઈ બે બહેનમાં નાની છે. તેઓ અહિં કારખાનામાં મજુરી કામ કરે છે. આ ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે કાગળો કર્યા હતાં.
