આજી જીઆઈડીસીમાં ખોડીયારનગરમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી છાત્રાને માતાએ રસોઈ બાબતે ઠપકો આપતા ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધાનો બનાવ થોરાળા પોલીસના ચોપડે નોંધાયો છે.આ અંગે પોલીસે જણાવ્યું કે,આજી જીઆઈડીસીમાં ખોડીયારનગરમાં રહેતી વંસીતા હસમુખભાઈ માધર (ઉ.વ.16) બે બહેન અને એકભાઈમાં વચેટ હતી. તે ધો.9માં અભ્યાસ કરતી હતી. રસોઈકામ બાબતે તેને માતાએ ઠપકો આપતા લાગી આવ્યું હતું.કાલે માતા-પિતા કામે ગયા હતા અને ભાઈ-બહેન સ્કૂલે ગયા હતા ત્યારે પાછળથી ઘરે એકલી વંસીતાએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. માતા-પિતા ઘરે આવતા પુત્રીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા. તત્કાલ 108ને બોલાવતા તબીબે તેને મૃત જાહેર કરી હતી.બનાવની જાણ થતા થોરાળા પોલીસના પીએસઆઈ એચ.ટી.જીંજાળાએ ઘટના સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.