રતનપરમાં હનુમાનજીના મંદિરમાં પ્રવેશ મુદ્દે દલિત પરિવારને ધમકી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા

મોરબી રોડ પર આવેલા રતનપર વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં હનુમાનજીના મંદિરમાં પ્રવેશ કરવા બાબતે એક દલિત પરિવારને અપમાનિત કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી…

મોરબી રોડ પર આવેલા રતનપર વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં હનુમાનજીના મંદિરમાં પ્રવેશ કરવા બાબતે એક દલિત પરિવારને અપમાનિત કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પીડિત પરિવાર દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ મુજબ,રતનપરના પાટિયા પાસે જલારામ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ હમીરભાઈ જાદવ છેલ્લા અઢી વર્ષથી આ સોસાયટીમાં રહે છે, અને તેમની પત્ની સપનાબેન ઘરકામ કરે છે. સોસાયટીમાં આવેલા હનુમાનજીના મંદિરનું સંચાલન આરોપી રાજુભાઈ રામાવત દ્વારા કરવામાં આવે છે, જેઓ પીડિત પરિવારને મંદિરમાં પ્રવેશતા અટકાવતા હતા.

ઘટનાની વિગત એવી છે કે, ગત 22 જૂનના રોજ ગામના સરપંચ લાલભા દરબાર સોસાયટીમાં આવ્યા ત્યારે ફરિયાદીએ તેમને મંદિરમાં પ્રવેશ ન મળતો હોવાની રજૂઆત કરી હતી. સરપંચે મંદિર સાર્વજનિક હોવાનું જણાવી મંદિરમાં જવાની સલાહ આપી હતી, જે બાદ સાંજના સમયે ફરિયાદીના પત્ની સપનાબેન મંદિર પાસે બેસવા ગયા હતા. જોકે, બીજા દિવસે એટલે કે 23 જૂનની સવારે જ્યારે ફરિયાદી અને તેમનો પુત્ર ઘરે હતા, ત્યારે રાજુભાઈ રામાવત, તેમનો પુત્ર મયુર રાજુભાઈ રામાવત, હેતલબેન ચંદ્રેશભાઈ ભલસોડ અને ચંદ્રેશભાઈ ભલસોડ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ સમયે આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ બાદ ભયભીત બનેલા પીડિત પરિવારે શરૂૂઆતમાં પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ બાદમાં સમાજના આગેવાનોની હિંમત મળતા તેઓએ કુવાડવા રોડ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પીડિતની ફરિયાદના આધારે પોલીસે રાજુભાઈ રામાવત, મયુર રાજુભાઈ રામાવત, હેતલબેન ચંદ્રેશભાઈ ભલસોડ અને ચંદ્રેશભાઈ ભલસોડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર પ્રકરણની તપાસ નાયબ પોલીસ અધિક્ષક વિશ્વરાજસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજાને સોંપવામાં આવી છે, જેઓ હવે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *