ખંભાળામાં ડેરી ફેકટરીના રૂ.61 લાખની મશીનરી શેડ માલિકોએ બારોબાર વેચી મારી

દૂધ પ્રોડક્ટના ભાગીદારના આપઘાત બાદ વિધવા મહિલા સાથે વિશ્વાસઘાત,ભાઈ-બહેન સામે ગુનો નોંધાયો પડધરી વિસ્તારમાં વી. ફોર.યુ. ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢીમાંથી અંદાજે રૂૂા. 61,08,822 ની કિંમતની…

દૂધ પ્રોડક્ટના ભાગીદારના આપઘાત બાદ વિધવા મહિલા સાથે વિશ્વાસઘાત,ભાઈ-બહેન સામે ગુનો નોંધાયો

પડધરી વિસ્તારમાં વી. ફોર.યુ. ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢીમાંથી અંદાજે રૂૂા. 61,08,822 ની કિંમતની મશીનરી અને લેબોરેટરીના સાધનો સગેવગે કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવા અંગે બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ અંગે શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મહિલા કાજલબેન નિલેશભાઈ હીંડોચાએ પડધરી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ મામલે ખંભાળા ગામના આરોપીઓ જયદીપભાઈ મનજીભાઈ પેથાણી અને ધર્મીષ્ઠાબેન મનજીભાઈ પેથાણી વિરૂૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ સામે બી.એન.એસ. કલમ 316(2), 61(2) અને 3(5) મુજબ ગુનો નોંધાયો છે.

ફરિયાદની વિગતો અનુસાર, કાજલબેનના સ્વર્ગસ્થ પતિ નિલેશભાઈ હીંડોચાએ વર્ષ 2024માં અન્ય ભાગીદારો સાથે મળીને પડધરીના ખંભાળા ગામે ગણેશદાસ પ્લોટમાં મંજુલાબેન મનજીભાઈ પાંચાણીની માલિકીનો શેડ ભાડે રાખીને દૂધનો પ્લાન્ટ શરૂૂ કર્યો હતો. આ પેઢી માટે 10 વર્ષનો ભાડાપટ્ટો પણ કરવામાં આવ્યો હતો. જોકે, વર્ષ 2025ના એપ્રિલ મહિનામાં મકાનમાલિકના પુત્રી ધર્મીષ્ઠાબેન પાંચાણીએ ભાડું ન ચૂકવ્યાનું કહી ડેરીને તાળું મારી દીધું હતું અને ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. આ અણધાર્યા વિવાદ અને આરોપીઓના ત્રાસથી કંટાળી જઈને નિલેશભાઈએ જામકંડોરણાના સાતુદડ ગામે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

પતિના આત્મહત્યાના પગલાં બાદ કાજલબેન આ અંગે કોઈ પોલીસ ફરિયાદ ન કરે તે માટે આરોપી જયદીપભાઈ અને ધર્મીષ્ઠાબેને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેઓએ ભાડાના પૈસા ન લેવાની અને ડેરી તેમજ મશીનરી પાછી સોંપી દેવાની ખાતરી આપીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી અને સપ્ટેમ્બર 2025માં રાજકોટ ખાતે એક સમાધાન કરાર કર્યો હતો. ત્યારબાદ ફરિયાદી જ્યારે પરિવાર સાથે ખંભાળા ગામે ડેરી પર ગયા ત્યારે આરોપીઓએ તાળું ખોલીને મશીનરી બતાવી હતી પરંતુ સામાન બે દિવસ પછી આપવાનું કહીને ચાવી પોતાની પાસે જ રાખી લીધી હતી અને વારંવાર માંગવા છતાં સરખો જવાબ આપ્યો ન હતો. આથી મહિલાએ અગાઉ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.

આ દરમિયાન ફેબ્રુઆરી 2026માં જ્યારે એસ.બી.આઈ. બેંકના કર્મચારીઓ અને ડેરીના ભાગીદારો ખંભાળા ખાતે પ્લાન્ટની તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે ડેરીનો દરવાજો ખોલતા જ અંદરથી તમામ મશીનરી ગાયબ જોવા મળી હતી. આરોપીઓએ રૂૂા. 56,80,520 ની કિંમતની મુખ્ય મશીનરી તેમજ રૂૂા. 4,28,302 ના લેબોરેટરીના સાધનો સહિત કુલ રૂૂા. 61,08,822 નો માલસામાન અલગ-અલગ સમયે સગેવગે કરી નાખ્યો હોવાનું ખુલ્યું હતું. આખરે બેંકમાંથી અસલ બિલો મેળવ્યા બાદ મહિલાએ આ અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ અમરભાઈ ગોલતરે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *