સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે ત્રાટક્યું માવઠું

રાજકોટ, પોરબંદર, દ્વારકા, જેતપુર, જામનગર, માળિયા હાટીના અને કચ્છમાં 0॥થી ઝાપટા પડ્યા, નવા વર્ષની ઉજવણીના રંગમાં પડેલો ભંગ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભરશિયાળે વાતાવરણમાં અચાનક પલટો…

રાજકોટ, પોરબંદર, દ્વારકા, જેતપુર, જામનગર, માળિયા હાટીના અને કચ્છમાં 0॥થી ઝાપટા પડ્યા, નવા વર્ષની ઉજવણીના રંગમાં પડેલો ભંગ

સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભરશિયાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરના સુદામાચોક, કમલાબાગ, છાંયા સહિતના વિસ્તારોમાં પવન સાથે જોરદાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ માવઠું થયું છે. ખંભાળીયા અને કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હંજરાપર, મોવાણ, સોનારડી, દાત્રાણા, નંદાણામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ રાજકોટ, દ્વારકા, જેતપુર, જામનગર, માળીયા હાટીના અને કચ્છમાં 0॥ થી લઇને ભારે ઝાપટાઓ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.ગઇકાલે ખંભાળીયા તાલુકાના ગોઈજ અને ચુડેશ્વર ગામમાં વરસાદી પાણી રસ્તા પર વહેતા જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લામાં પણ વ્યાપક અસર જોવા મળી છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ ચોક, વિરાણી ચોક, ધર્મેન્દ્ર રોડ, જાગનાથ અને પંચનાથ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ધોરાજીના ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, જમનાવડ રોડ પર કાળા ડિબાંગ વાદળો સાથે ધીમીધારે વરસાદ થયો હતો.

ઉપલેટાના કાદી વિસ્તાર, રાજમાર્ગ, કટલેરી બજાર, સ્ટેશન રોડ તથા ગ્રામ્ય વિસ્તાર ડુમિયાણી, વાડલા, ઈસરા અને મુરખડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત પડધરી તાલુકાના જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા અને ફતેપર જેવા ગામો પણ માવઠાથી પ્રભાવિત થયા હતા.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ કમોસમી વરસાદથી ભીંજાયા હતા. આમ, સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ થયેલા આ માવઠાને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે. ભરશિયાળે ખેડૂતોએ કરેલા રવિ સિઝનના પાકોને આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની ભીતી સતાવી રહી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 31 ડિસેમ્બર અને 1 લી જાન્યુઆરીના કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ જામનગર પંથકમાં આજે કેટલાક ગામડાઓ માં વરસાદ થયાના વાવડ મળી રહ્યા છે. પરિણામે ખેડૂતોને નુકશાન થયું છે. ભર શિયાળે જામનગરમાં જીલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.જામનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સૂર્યનારાયણ અદ્રશ્ય થયા હતા. અને વરસાદી માહોલ બંધાયો હતો. તેમજ બપોર બાદ જામનગર શહેરમાં છાંટા પડ્યા હતા. પરંતુ સમાણા રોડ, નારણપુર, દડીયા, લાલપુર રોડ અને ખંભાળિયા રોડના માર્ગે આવેલા કેટલાક ગામડા માં સારો વરસાદ થયો હતો.જે લગભગ અડધા થી એક ઇંચ સુધી વરસ્યો હોવાનું લોકો જણાવી રહ્યાં છે. આ કમોસમી માવઠા ને કારણે ખેડૂતો ને શિયાળુ પાકમાં નુકસાન થયું છે. હજુ ગુરુવારે પણ વરસાદની શક્યતા દર્શાવાઇ છે.
દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં ગઈકાલે બુધવારે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂૂ થયા હતા.

દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય બજારના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ પાણી ફરી વળ્યા હતા. સરકારી ચોપડે ગઈકાલે બપોરે પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે. યાત્રાધામ દ્વારકામાં વર્ષના આ અંતિમ દિવસોમાં યાત્રાળુઓનો ભારે ધસારો હોવાથી, અચાનક આવેલા વરસાદને કારણે ભક્તોમાં પણ દોડધામ મચી ગઈ હતી. સુસવાટા મારતા ઠંડા પવન સાથેના આ માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. શિયાળામાં તડકાની જરૂૂરિયાત વચ્ચે પડેલા આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હાલ ખેતરોમાં જીરું, ચણા, ઘઉં અને ધાણા જેવો શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે પવન સાથેના આ વરસાદી માવઠાથી પાકમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ કાલાવડ તાલુકામા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ભરશિયાળે કાલાવાડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર શિયાળે કમોસમી વરસાદ પડ્યો.જગતનો તાત ચિંતામાં જોવા મળ્યો. તાલુકાના નવારણુંજા, દેવપુર, પીઠડીયા, ધુતારપર, નિકાવા, વોડિસંગ, ખંઢેરા, હરીપર, વાવડી, ખાંનકોટડા, બાંગા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકમા નુકસાનીની ભીતી સેવાઈ જવા પામી હતી.શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ થયો. કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો ખેતરોમાં ઉભેલ પાક જીરું, લસણ, ચણા, કપાસ, ધાણા, કલેનજી જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ. જગતનો તાત મૂંઝાયો.

જીરુ, ઘઉં, રાયડો, એરડા સહિતના પાકને નુકસાનીની ભીતિ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધુ છે. રવિપાકમાં ભારે નુકસાનીની ભીતી સેવાઇ રહી છે. જેના લીધે રાયડો, એરડા, ઘઉં, ઘાણા, ઇસબગુલ, તુવેર, ચણા સહિતના પાકને નુકસાની જવાની ભીતી ઉભી થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હજૂ પણ માવઠાની આગાહી હોવાથી ખેતીના પાકને વધુ નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. તેવી જ રીતે યાર્ડમાં ખુલ્લામાં રાખેલ જણસીને પણ નુકસાની થયાનુ જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *