ક્રિમિનલ પણ પોલિંગ એજન્ટ બની શકશે: આયોગે નિયમ બદલાવ્યો

પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં જ ચૂંટણી આયોગના નિર્ણયથી ભારે ચકચાર: કેવા ગુના ધરાવતા વ્યક્તિની નિમણૂક કરી શકાશે તે બાબતે અવઢવ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની…

પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં જ ચૂંટણી આયોગના નિર્ણયથી ભારે ચકચાર: કેવા ગુના ધરાવતા વ્યક્તિની નિમણૂક કરી શકાશે તે બાબતે અવઢવ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે,તે પહેલા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદાન અને મતગણતરી એજન્ટોની નિમણૂક અંગેના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા પરિપત્ર મુજબ, અત્યાર સુધી અમલમાં રહેલી ‘બિન-ગુનાહિત ઇતિહાસ’ની અનિવાર્ય શરતને હવે રદ કરી દેવામાં આવી છે. મહત્વનો છે કે હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ પણ મતદાન એજન્ટ તરીકે નિમણૂક કરી શકાશે.

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્રારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉના પરિપત્રમાં જે જોગવાઈ હતી કે “નિયુક્ત કરવામાં આવનાર એજન્ટ પર કોઈ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ કે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ”, તે જોગવાઈ હવેથી રદ કરવામાં આવે છે.

એજન્ટોની નિમણૂક માટેના ભૌગોલિક નિયમોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં નગરપાલિકા/મહાનગરપાલિકા જે તે નગરપાલિકા કે મહાનગરપાલિકાના જે તે વોર્ડના કોઈપણ મતદારને મતદાન એજન્ટ તરીકે નીમી શકાશે.તાલુકા/જિલ્લા પંચાયત જે તે પંચાયતના મતદાર મંડળના કોઈપણ મતદારને એજન્ટ બનાવી શકાશે.અત્યાર સુધી પ્રાધાન્ય એવા વ્યક્તિને અપાતું હતું જે તે જ મતદાન મથક કે પડોશી મથકનો રહેવાસી હોય, પરંતુ હવે વોર્ડ અથવા પંચાયત સ્તરેથી નિમણૂક કરી શકાશે. દ્વારા તમામ જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારીઓને પરિપત્ર કરી સૂચના પણ આપી દેવામાં આવી છે અને આગામી 26 તારીખના રોજ મતદાન યોજાઈ રહેલી મતદાન પ્રક્રિયામાં જ આ નવો નિયમ લાગુ પડશે.

મહત્વની છે કે મતદાનના બે દિવસ પહેલા જ આ રીતનો પરિપત્ર ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તેમના કારણે વિપક્ષ પણ આ પરિપત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ પરિપત્રમાં માત્ર એટલો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ મતદાન એજન્ટ તરીકે નિમણૂક કરી શકાશે. પરંતુ કેવા ગુના ધરાવતા વ્યક્તિઓને નિમણૂક કરી શકાશે તેઓ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *