રાપરના ભીમદેવકા અને ફૂલપરાના 116 ખેડૂતને જાણ કર્યા વગર બારોમાર તેમની 800 એકર જમીન સોલાર પ્લાન્ટ બનાવવા બારોબાર વેચવાનાં કૌભાંડનાં પ્રકરણમાં ગાગોદર પોલીસ મથકે આરોપીઓ સામે ગુનો દર્જ થયો હતો.
ભીમદેવકામાં રહેનારા ફરિયાદી અરવિંદ હજા કોળીને ગત તા. 16/12ના શિવલખાના અનોપસિંહ અલિયાજી જાડેજાએ વોટ્સએપમાં એક 17 પાનાની પીડીએફ મોકલાવી હતી, જે ડાઉનલોડ કરી ખોલી જોતાં તેમાં ભીમદેવકા અને ફૂલપરાના 116 ખેડૂતની 800 એકર જમીન સોલાર પ્લાન્ટ માટે વેચાણ કરી આપવા સબબ સાજન એમ. સામળિયાની નોટરી કરાર કરી આપેલાની 17 પાનાની પીડીએફ હતી.
આ નોટરીમાં એક તરફ લખાવી લેનારા તરીકે જાડેજા અનોપસિંહ અલિયાજી તથા લખી આપનારા તરીકે ભરવાડ વિરા મોગા (રહે. થોરિયારી), ખાનપરા ચીમનલાલ છગનલાલ (રહે. ગાંધીધામ), ભરવાડ મેરા લખુ (રહે. જૂના કટારિયા) તથા મમુ ભુરા કોળી (રહે. શિકરપુર)નાં નામ હતાં.
આ નોટરી કરારમાં ખેડૂતોની 800 એકર જમીન સોલાર પ્લાન્ટ માટે વેચવા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એક એકરના ભાવ રૂૂા. 4,21,000 નક્કી કરાયા હતા તથા છ માસમાં આ જમીનો વેચાવી આપવાની રહેશે, જમીનોના 7/12, 8-અ તમામ હક્ક, પુરવા, મહેસૂલી અદાવતો હુકમો, નક્શા, પેઢી નામું વગેરે કરાવી આપવાની શરતો જણાવવામાં આવી હતી. ખેડૂતોની જાણ બહાર બારોબાર, મંજૂરી વગર પોતાના અંગત ફાયદા માટે ખોટો દસ્તાવેજ, નોટરી કરાર કરનારા મેરા ભરવાડ, મમુ કોળી, વીરા ભરવાડ સામે હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
