હાઇડ્રોક્લોરિક એસિડ યુક્ત પાણી છોડી માનવ અને પશુ જીવન જોખમમાં મૂકનાર સામે સીઆઇડીની કાયર્વાહી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાનો ગંભીર મામલો બહાર આવતા સીઆઈડી ક્રાઇમે ત્રણ કારખાનેદારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેમિકલયુક્ત પાણી છોડવાથી માનવ તથા પશુને હાનિ, ભય કે ત્રાસ પહોંચે તેમજ જિંદગીને જોખમકારક નુકસાન થાય તેમ હોવા છતાં નિયમ વિરુદ્ધ પાણી છોડવામાં આવતું હોવાનો આરોપ છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાના આ બનાવ અંગે સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલના ડિટેક્ટિવ પીએસઆઈ એ.સી.ઈશરાણીએ નોંધાવેલી ફરિયાદમાં જૂના દેવળિયાના અલ્પેશ અંબાલાલ વશિયાણી, સંજય અમરશી પટેલ અને વિજય જસમત પટેલને આરોપી તરીકે દર્શાવ્યા છે. ફરિયાદ મુજબ, હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રિઝમાંથી કેમિકલયુક્ત પાણી આજુબાજુના ખુલ્લા ખેતરો અને જમીનમાં છોડવામાં આવતું હોવાની બાતમી મળતા તા. 13-9-2025ના રોજ પીએસઆઈ એ.સી. ઈશરાણી સહિતના સ્ટાફે બે પંચોને સાથે રાખી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં અલ્પેશ અંબારામ વશિયાણી અને સંજય અમરશી પટેલ મળી આવ્યા હતા. પૂછપરછ કરતા તેઓએ ફેક્ટરીમાં ત્રણ ભાગીદાર હોવાનું અને ત્રીજા ભાગીદાર તરીકે વિજય જસમત પટેલ હોવાનું જણાવ્યું હતું. ફેક્ટરી અને આસપાસની તપાસ દરમિયાન બે ખેતરોમાં પાણી ભરાયેલ જોવા મળ્યું હતું. આ પાણી કેમિકલ વેસ્ટ છે કે વરસાદી પાણી તે પ્રાથમિક રીતે નક્કી કરી શકાય તેમ ન હોવાથી પાણીના નમૂનાઓ કબજે કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમિયાન પાણીના નમૂનામાં હાઇડ્રોજન અને ક્લોરાઇડના મુક્તમુલકો મળી આવ્યા હતા.
જે હાઇડ્રોક્લોરિક એસિડના ઘટકો હોવાનું વૈજ્ઞાનિક પરીક્ષણમાં સામે આવ્યું છે. આ અંગે સાયન્ટિફિક ઓફિસર એમ.એમ. શાહે રિપોર્ટ આપ્યો હતો. કેમિકલયુક્ત પાણી છોડવાથી માનવ અને પશુ જીવન જોખમમાં મુકાય તેમજ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને ગંભીર નુકસાન થવાની શક્યતા હોવાને કારણે પીએસઆઈ એ.સી. ઈશરાણીએ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 270, 271, 272 અને 54 હેઠળ ફરિયાદ નોંધાવતા સી.આઈ.ડી ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
