રાજકોટમા સરદારનગર મેઇન રોડ અને લીમડા ચોક વિસ્તારમા અનેક મોબાઇલના એસેસરીજ વેચતી દુકાનો આવેલી છે આ દુકાનોમા બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચાતી હોવાનુ જાણવા મળતા કંપનીનાં ઓથોરાઇઝ કર્મચારીને સાથે રાખી એ ડીવીઝન પોલીસે અલગ અલગ પ થી 6 ટીમો બનાવી અલગ અલગ જગ્યા પર તપાસ આદરી હતી આ દરમ્યાન પાચેક જેટલી દુકાનો એપલ કંપનીની બ્રાન્ડની ડુપ્લીકેટ એસેસરીઝ વેચતી હોવાનુ માલુમ પડયુ હતુ. જેને લઇ પોલીસે પાંચ લાખનો મુદામાલ જપ્ત કરી દુકાનનાં સંચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ રાજકોટ શહેરના સરદારનગર મેઇન રોડ પર આવેલી કેટલીક ચોક્કસ દુકાનોમાં એપલ કંપનીના નામે નકલી માલ વેચવામાં આવતો હોવાની કંપનીના ઓથોરાઇઝડ કર્મચારી વિશાલસિંહ હીરાસિંહ જાડેજાએ રાવ કરતાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બોરીસાગરે અલગ અલગ ટીમ બનાવી હતી અને એક સાથે પાંચ દુકાનમાં પોલીસ ખાબકી હતી.
પોલીસે સરદાનગર મેઇન રોડ પર આવેલી જય બાલાજી મોબાઇલ, મહાદેવ મોબાઇલ કવર, કવર ઝોન, ટફન ઝોન અને ટફન વાલામાં દરોડા પાડ્યા હતા. પોલીસ અંને કંપનીના કર્મચારીએ તપાસ કરી તો ઉપરોક્ત પાંચેય દુકાનમાંથી એપલ કંપનીના નામે મોબાઇલ કવર, કેબલ, એડેપ્ટર, ઇયરબર્ડસ અને પાવરબેંક સહિતની નકલી વસ્તુઓનું વેચાણ થતું હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસે કુલ રૂૂ.5,05,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત દુકાનના વેપારીઓ કોઇપણ સ્થળેથી કવર, ઇયરબર્ડસ, પાવરબેંક સહિતની વસ્તુઓ ખરીદી લાવતા હતા અને તેના પર એપલના માર્કાવાળા સ્ટિકર લગાવી એપલ કંપનીના નામે ગ્રાહકો પાસેથી ઊંચી રકમ વસૂલતા હતા. પોલીસે પાંચેય દુકાનના વેપારીને નોટિસ આપી હાજર થવા સૂચના આપી હતી, જે નકલી વસ્તુઓ મળી આવી તે ક્યાંથી ખરીદાતી હતી, કેટલામાં ખરીદાતી હતી અને બ્રાન્ડેડ કંપનીના નામે કેટલી રકમની લૂંટ ચલાવાતી હતી તે સહિતના મદ્દે પોલીસે તપાસ શરૂૂ કરી હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે આગામી દીવસોમા લીમડા ચોક સહીત અન્ય જગ્યાઓ પર પણ સરપ્રાઇઝ ચેકીંગ કરવામા આવશે.
