ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયો

બાલાજી વેફર્સની એજન્સી બંધ કરી નાખવાની ધમકી આપી વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી કરતાં આપઘાત કરી લીધો હતો શહેર ભાજપના મંત્રી એવા આદિપુરના દિપેશ અશ્વિન ત્રિપાઠી નામના…

બાલાજી વેફર્સની એજન્સી બંધ કરી નાખવાની ધમકી આપી વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી કરતાં આપઘાત કરી લીધો હતો

શહેર ભાજપના મંત્રી એવા આદિપુરના દિપેશ અશ્વિન ત્રિપાઠી નામના યુવાનને ધંધામાં આર્થિક નુકસાન કરી તેમની એજન્સી બંધ કરી નાખવાની ધમકી આપી તેમજ અન્યને એજન્સી અપાવી અને બાદમાં આ યુવાને ધંધાર્થે જુદા જુદા લોકો પાસેથી વ્યાજે પૈસા લઇ તે પરત આપી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરાતા અંતે કંટાળીને તેણે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં 18 લોકો સામે ગુનો દાખલ થયો હતો. સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનારા એવા આ પ્રકરણમાં યુવાનના પત્નિ દીપાબેન ત્રિપાઠીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દિપેશ ત્રિપાઠીએ બાલાજી વેફર્સની એજન્સી લેવા એડવાન્સમાં ડિપોઝીટ ભરીને એજન્સી લીધી હતી. અને બાદમાં આર.ટી.જી.એસ. કરીને માલ મંગાવતા હતા. બાદમાં બાલાજી વેફર્સવાળાએ માલ પહોંચાડવા કટારીયા એન્ટર પ્રાઇઝનને કામ સોંપ્યું હતું. મૃતક યુવાન બાદમાં કટારીયા એન્ટર પ્ર્રાઇઝને આર.ટી.જી.એસ. કરતા અને તે માલ મોકલતા હતા.

થોડા સમય બરાબર રહ્યા હતા આ એન્ટર પ્રાઇઝના માલિક તથા રૂૂપેશ, કલ્પેશ, અંકિતાબેન પૈસા આપવા છતાં માલ આપતા નહીં. માલ પહોંચાડવાનું કામ મુંદરાના વિપુલ (એસઆઇ)ને સોંપાયું હતું તેને કોઇ કારણે આ મૃતક યુવાન સાથે વાંધો હોવાથી ફરિયાદીના પતિને વારંવાર હેરાન પરેશાન કરી ઉપરી અધિકારીઓને ખોટી રીતે ચડાવતો હતો અને બાદમાં સાંઠગાંઠ કરી ફરિયાદીના પતિના ગોદામની બાજુમાં અન્ય વ્યક્તિને એજન્સીવાળું ગોદામ ચાલુ કરાવી આપી દિપેશ ત્રિપાઠીના રૂૂટમાં પણ કાપ કરાવી નાખ્યો હતો. જેના કારણે તેમને આર્થિક નુકસાન થયું હતું. હાલમાં હોળી પહેલા પણ પૈસા આપવા છતાં તેમને માલ પહોંચાડાયો ન હતો.

વિપુલે ફરિયાદીના પતીને એજન્સી બંધ કરાવી નાખવાની ધમકી આપી હતી.આર્થિક સંકળામણમાં આવેલા યુવાને કરણ ડાયાલાલ આહીર પાસે વ્યાજે પૈસા લીધા હતા. જેની અવેજીમાં આરોપીએ ફરિયાદીના દાગીના ગીરો રાખી લીધા હતા. તમામ રકમ આપવા છતાં દાગીના છોડાવવા જતાં યુવાનને કરણ, તેના પિતા તથા આનંદ નામના શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી, ધાક ધમકી કરી દાગીના પરત આપ્યા ન હોતા. ભચાઉના નટુભા સોઢા પાસેથી આ યુવાને ધંધાર્થે પૈસા વ્યાજે લીધા હતા જેની અવેજીમાં આ શખ્સો આદિપુરના મકાનની અસલ ફાઇલ ગીરો રાખી પઠાણી કરી તેને ત્રાસ અપાતો હતો. દરમ્યાન કલ્પેશ મૂળજી ઠક્કર પાસેથી ધંધાર્થે પૈસા લીધા હતા તેને હતભાગી યુવાને એજન્સી પણ અપાવી હતી. મૂળ રકમ, વ્યાજ ભરવા છતાં તેણે વધુની માંગ કરી હતી.

દર્શન બળવંત ઠક્કરે પણ વ્યાજે પૈસા આપી ચૂકવણું કરવા છતાં યુવાન પાસેથી વધુ વ્યાજની માંગ કરતો હતો. તેમજ ધર્મેન્દ્રસિંહ ભાટી (ધમો) નામના શખ્સે ઉંચા વ્યાજે પૈસા આપી વધુ વ્યાજ મેળવી પઠાણી ઉઘરાણી કરવા યુવાનના ગોદામે માણસો મોકલાવતો હતો. તેમજ ક્રિપાલસિંહ નામનો શખ્સ પઠાણી ઉઘરાણી કરવા ગોદામે આવી ધાકધમકી કરતો હતો. ભુજના રોશની આનંદ ભટ્ટ પણ આઠ વર્ષથી આ યુવાનને હેરાન પરેશાન કરી ઊંચુ વ્યાજ વસુલ કરતી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ભીખુ નામનો શખ્સ પણ વધુ વ્યાજની માંગ કરતો હતો. ચંદ્રસિંહ બાપુ (ઝોનવાળા) નામના શખ્સને મૂડી કરતા વધારે વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં વધારે વ્યાજની રકમની માંગ કરતો હતો. આવા લોકોના ત્રાસના કારણે યુવાને અંતીમ પગલું ભરી પોતાની જીવાદોરી ટૂકાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *