સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાંચ અને SOG તૈનાત રહેશે, 30 જેટલા રાજકીય અગ્રણીઓ રડારમાં

આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 18 વોર્ડની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચુંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને…

આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 18 વોર્ડની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચુંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો સઘન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂૂપે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની મહત્વની જવાબદારી ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી. ને સોંપવામાં આવી છે.તેમજ ચૂંટણી દરમિયાન વિક્ષેપ ઊભો કરી શકે છે અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવા 30 કાર્યકરો પર ’પોલીસ માર્કર’ મૂકી દેવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અગાઉની ચૂંટણીઓના અનુભવો અને વર્તમાન ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધારે આશરે 30 જેટલા એવા રાજકીય કાર્યકરોની ઓળખ કરવામાં આવી છે, જેઓ ચૂંટણી દરમિયાન વિક્ષેપ ઊભો કરી શકે છે અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે છે.

આ તમામ શંકાસ્પદ કાર્યકરો પર ’પોલીસ માર્કર’ મૂકવામાં આવ્યું છે. ચૂંટણીના દિવસે આ કાર્યકરોની દરેક હિલચાલ પર પોલીસની બાજ નજર રહેશે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. ચૂંટણી દરમિયાન સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે ઉચ્ચ અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બંદોબસ્તનું સીધું સુપરવિઝન પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત 4 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોતાની સ્ટ્રાઈકિંગ ફોર્સ સાથે સતત પેટ્રોલિંગમાં રહેશે.

આવતીકાલે સવારથી જ પોલીસ અને અન્ય સુરક્ષા જવાનો તમામ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા બિલ્ડિંગો અને મથકો પર હથિયારધારી સુરક્ષા જવાનો તૈનાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા વ્યાપક ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિકના સીધા માર્ગદર્શન 4 ડીસીપીના નિરીક્ષણ હેઠળ 8 એસીપી, 12 પીઆઈ અને 54 પીએસઆઈ અધિકારીઓ સહિત 1120 પોલીસકર્મી અને 1379 હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. મતદાનના દિવસે કોઈ બનાવ વખતે તાત્કાલિક પગલાં લેવા માટે 12 ક્વિક રિસ્પોન્સ ટીમ સતત દોડતી રહેશે. જયારે એસઓજીની વિશેષ ટીમ ડ્રોન મારફતે આકાશમાંથી અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સીસીટીવી કેમેરા દ્વારા મુખ્ય ચોકો પર સતત મોનિટરિંગ કરાશે.

શહેરની કુલ 543 બિલ્ડિંગોમાં આવેલા 1187 મતદાન મથકો પર કડક બંદોબસ્ત જાળવવામાં આવશે. પોલીસ પ્રશાસન દ્વારા જનતાને નિર્ભય થઈને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની કુમક અને સતત રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસની આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે હિંસા અટકાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *