જામનગર શહેરમાં હાલમાં પ્રવર્તી રહેલા વરસાદી માહોલ વચ્ચે વીજ તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના ઘાંચી ની ખડકી વિસ્તારમાં આવેલ સાંઇ ડાડા ની દરગાહ નજીક એક નિર્દોષ ગાયમાતાને વીજશોક લાગવાને કારણે કરુણ મૃત્યુ નિપજ્યું છે, અને આ ઘટનાએ ફરી એકવાર નિમ્ભર વીજ તંત્રની નિષ્ક્રિયતા અને સુરક્ષા પ્રત્યેની બેદરકારીને ઉજાગર કરી છે. નિમ્ભર વીજ તંત્રના પાપે શહેરી વિસ્તારોમાં ખુલ્લા વાયરો અને જર્જરિત વીજપોલોને કારણે નિર્દોષ પશુઓના મોત થઈ રહ્યા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે વીજ તંત્ર પોતાનો ખુલ્લો મચળો બદલવા કે કોઈ નક્કર કાર્યવાહી કરવા તૈયાર નથી તેવો સ્થાનિકો અને બુદ્ધિજીવી વર્ગનો સૂર ઉઠી રહ્યો છે. વર્ષો પહેલા શહેરની તમામ ઓવરહેડ વીજલાઈનોને ભૂગર્ભમાં લેવા માટે મોટા મોટા દાવાઓ અને જાહેરાતો કરવામાં આવી હતી.
પરંતુ આ વાયદાઓ માત્ર પવાતોના વડાથ સાબિત થયા છે અને જમીની સ્તરે આ દિશામાં કોઈ પ્રગતિ જોવા મળી નથી, જેના કારણે વીજળીના ખુલ્લા તારો શહેરના અનેક વિસ્તારોમાં મરણપથારી જેવા બન્યા છે અને આ ખુલ્લા વાયરો માત્ર પશુઓ માટે જ નહીં, પરંતુ રાહદારીઓ અને ખાસ કરીને નાના બાળકો સહિત લોકોના જીવ માટે પણ ગંભીર જોખમરૂૂપ બન્યા છે. વરસાદ કે સામાન્ય ભેજવાળા વાતાવરણમાં વીજશોક લાગવાની ઘટનાઓનું જોખમ અનેકગણું વધી જાય છે અને તાજેતરમાં ઘાંચી ની ખડકી વિસ્તારમાં બનેલી ગાયના મોતની ઘટના એ તેની જીવંત સાક્ષી પૂરે છે.
છતાં વીજ તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને પ્રશાસન પણ આ મામલે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પરિણામે શહેરીજનોમાં વીજ તંત્ર પ્રત્યે ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે અને જો તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થવાની અને માનવજીંદગીનું જોખમ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.
