રસ્તાના ઝઘડામાં પિતરાઈ ભાઈઓએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા એક યુવાનને તેમના પરિવારના કુટુંબિક એવા મહિલાઓ સહિતના પાંચ વ્યક્તિઓએ ખેતીની જમીનના કુવા તરફ જતા રસ્તા બાબતે ઝઘડાનો ખાર રાખી…

કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા એક યુવાનને તેમના પરિવારના કુટુંબિક એવા મહિલાઓ સહિતના પાંચ વ્યક્તિઓએ ખેતીની જમીનના કુવા તરફ જતા રસ્તા બાબતે ઝઘડાનો ખાર રાખી અને જીવલેણ હથિયાર વડે હુમલો કરી, હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આરોપીઓને દબોચી લીધા હતા.

આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામના સીમ વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા લાખાભાઈ સવાભાઈ વરુ નામના 65 વર્ષના વૃદ્ધના મોટાભાઈ કેશુભાઈ કે જે એક વર્ષ પૂર્વે અવસાન પામ્યા હતા, તેમના બે પુત્રો જેસાભાઈ અને રામદેભાઈની ખેતીની જમીન તેઓના એક જ સેઢે આવેલી હતી. અને તેઓના ખેતરના સેઢાની બાજુમાંથી જ લાખાભાઈના કુવા સુધી જવાતું હતું. આ જેસાભાઈ અને રામદેભાઈને તેમનું ખેતર વેચવું હોય, જેથી લાખાભાઈના પુત્ર દેવાણંદભાઈ (ઉ.વ. 42) એ “અમારા કુવા સુધી જવાનો રસ્તો મૂકીને ખેતર વેચજો” – તેમ જણાવ્યું હતું. જે બાબતે દેવાણંદભાઈ અને જેસા તથા રામદે વચ્ચે મન દુ:ખ ચાલ્યું આવતું હતું.

આ વચ્ચે રવિવારે સાંજના આશરે 7 વાગ્યાના સમયે દેવાણંદભાઈ રાવલ ગામેથી મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે માર્ગમાં જેસાભાઈ કેસુરભાઈ વરુ, રામદે કેસુરભાઈ વરુ, નરેશ જેસાભાઈ વરુ, નાથીબેન જેસાભાઈ વરુ અને જાનાબેન રામદે કેસુર વરુ નામના પાંચ પરિવારજનોએ ગેરકાયદેસર રીતે મંડળી રચી અને લોખંડના પાઈપ તથા લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે તેમને હાથ, પગ તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ લોહી લુહાણ હાલતમાં આ જ સ્થળે ફસડાઈ પડ્યા હતા. ત્યાર બાદ દેવાણંદભાઈને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ખંભાળિયાની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાનના થોડા સમય પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતા અને તેઓ એક પુત્રી તથા એક પુત્રના પિતા હતા. આ બંને સંતાનોએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે લાખાભાઈ સવાભાઈ વરુની ફરિયાદ પરથી તેમના પુત્ર દેવાણંદભાઈ (ઉ.વ. 42) ની ઘાતકી હત્યા કરવા સબબ બે મહિલાઓ સહિત તમામ ચાર આરોપીઓ સામે બીએનએસની કલમ 103 (1), 189 (2) 191 (1), 191 (3), 190, 352 તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ઘાતકી હત્યાના આ ગંભીર બનાવને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને દ્વારકા સર્કલના ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ પીએસઆઈ. એમ.આર. સવસેટા અને વી.આર. શુક્લની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, આરોપીઓને ઝડપી લીધા હતા. આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.આઈ. એન.આર. હાથલિયા, પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, વી.આર. શુક્લ, એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, ડાડુભાઈ જોગલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *